સુરેન્દ્રનગર : “માતૃભાષા જાગૃતિ અભિયાન”, વસાડવા પ્રાથમિક શાળાના આચાર્યની અનોખી પહેલ

New Update
સુરેન્દ્રનગર : “માતૃભાષા જાગૃતિ અભિયાન”, વસાડવા પ્રાથમિક શાળાના આચાર્યની અનોખી પહેલ

આપણી ગુજરાતી માતૃભાષા આજના યુવાવર્ગમાં ભુલાતી જાય છે. આજના યુવાનોમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે આજના યુવાનો આપણી ગુજરાતી માતૃભાષા વિશે જાગૃત થાય તે માટે એક શિક્ષક દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કૌશિક પ્રજાપતિ દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે ગુજરાતી પુસ્તકનું એક પ્રદર્શન યોજવામાં આવે છે. લોકો ગુજરાતી ભાષા જાણી શકે તેને વાંચી શકે તેમજ હાલમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના પુસ્તકો પણ પ્રદર્શન યોજવામાં આવે છે.

ધ્રાંગધ્રામાં આવેલ મયુર બાગ પાસે પ્રથમ પુસ્તક પરબ પ્રદર્શન યોજવામાં આવે છે. જેનો સમય સવારે ૮થી ૧૦ સુધી હોય છે. લોકોનું ગુજરાતી ભાષામાં જ્ઞાન વધે તેમજ તેમના વિચારોનો વિકાસ થાય તે માટે ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોઈ વાચકને પુસ્તક મેળવવું હોય તો તે પોતાના ઘરે વાંચવા માટે લઈ જાય છે. તેમજ કોઈ વ્યક્તિને પુસ્તકોનું દાન કરવું હોય કે બેસીને વાંચન કરવું હોય તો તે પણ કરી શકે છે. મોર્નિંગ વોક માટે નીકળતા લોકો આ જગ્યાની મુલાકત પણ લઈ શકે તે માટે આ સમય રાખવામાં આવ્યો છે. આ કાર્યમાં ૨૦૦થી વધુ વાચકોએ લાભ લીધેલ છે. આ સેવામાં વાચકો દ્વારા ૨૦૦ જેટલા પુસ્તકનું દાન પણ કરવામાં આવ્યું છે. હાલ પ્રદર્શનમાં ગાંધીજીના પુસ્તકો, નવલકથાઓ, આયુર્વેદ, ભજન, વાર્તા, જનરલ નોલેજ વિશેના વિવિધ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.