Connect Gujarat
ગુજરાત

સ્વાવલંબનથી ખુમારી સાથેનું દ્રષ્ટાંત એટલે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય ખૂશ્બુ ભંડારી

સ્વાવલંબનથી ખુમારી સાથેનું દ્રષ્ટાંત એટલે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય ખૂશ્બુ ભંડારી
X

યુવાનોને તેમના કૌશલ્ય અને આવડતથી સ્વરોજગારીના પથ પર લઇ જવામાં રાજય સરકાર દ્વારા કાર્યક્રમો અમલી છે. ઓછો અભ્યાસ કર્યો હોય પણ આવડત અને ખંત, ધગશ હોય તેવા યુવાનોને તેમના રસના વિષયમાં કંઇક નવું કરીને આર્થિક સમૃધ્ધ થવામાં રાજય સરકાર દ્વારા સંચાલિત આઇટીઆઇ ઘણી મદદરૂપ બને છે.

વડોદરાના ગોરવા સ્થિત સરકારી મહિલા આઇટીઆઇ ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો અભ્યાસ કાર્યક્રમ શરૂ છે. આચાર્ય શ્રીમતી નેહા કે. શાહે જણાવ્યું કે, મહિલાઓને માટે આઇટીઆઇ ખાતે અનેક અભ્યાસ કાર્યક્રમ તળે જુદી-જુદી તાલીમ આપવામાં આવે છે. આઇટીઆઇ ખાતે ક્રાફ્ટસમેન (સીટીએસ) સ્કીમ તળે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો એક વર્ષનો અભ્યાસક્રમ કાર્યરત છે, જે વિનામૂલ્યે છે. રાજય સરકાર દ્વારા તાલીમાર્થીઓને દર મહિને રૂ.૪૦૦ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા તાલીમાર્થીને સાયકલ પણ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને સવારે ૯.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી તજજ્ઞો દ્વારા તેમના વિષય માટેની તાલીમ આપવામાં આવે છે.

સ્વાવલંબનથી ખુમારી સાથેનું દ્રષ્ટાંત એટલે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય ખૂશ્બુ ભંડારી. ખૂશ્બુએ અભ્યાસ તો ધો.૧૦ સુધીનો કર્યો છે પણ તે તેના કૌશલ્ય થકી મહિને રૂ.૩૫-૪૦ હજાર જેવી કમાણી કરી લે છે. તેણે ધો.૧૦ પાસ કરીને આઇટીઆઇ મહિલા ગોરવા વડોદરા ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો એક વર્ષનો કોર્ષ વર્ષ-૨૦૧૫માં કર્યો હતો.

આઇટીઆઇ મહિલા ગોરવા વડોદરા ખાતે તાલીમ મેળવીને તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું તે અનુભવ વિશે વાત કરતા ખૂશ્બુએ કહ્યું કે, મારો પરિવાર આર્થિક રીતે ઘણો સાધારણ છે. મારા પિતા રિક્ષાચાલક તરીકે કામ કરે અને મારા માતા બાળકોની સંભાળ લેવાની કામગીરી સંભાળતા હતા. મારા પિતા મહિને રૂ.૨૦ હજાર અને મારા માતા મહિને રૂ.૬-૭થી હજારની કમાણી કરી શકતા.

આ એક વર્ષના કોર્ષે મારા અને મારા પરિવારને શૂન્યમાંથી સર્જન જેવી સ્થિતિએ લાવી દીધા છે. મારા મોટા બહેન એસબીઆઇના કોલ સેન્ટરમાં કામ કરે છે. અમારા બંને બહેનોની કારકિર્દીના ઘડતર પછી અમારા પરિવારમાં આર્થિક સમૃધ્ધિ આવતા મારા ૫૦ વર્ષીય પિતા અને ૪૫ વર્ષીય માતાએ એમનું કામ છોડીને મારા જ આ કામમાં મદદરૂપ થવાનું યોગ્ય જાણ્યું છે. મારા પિતા તેમના મૂળ કામ રિક્ષા ચલાવવા સાથે હજુ જોડાયેલા છે પણ એ હવે રિક્ષા ચલાવવાનું કામ ઓછું કરે છે અને ઘરેબેઠાં આ કામમાં મને વધુ સહયોગ પૂરો પાડે છે.

મારા આ ફેશન ડિઝાઇન ટેક્નોલોજીના અભ્યાસ પછી મારામાં આત્મવિશ્વાસ આવ્યો. ફેશન ડિઝાઇન ટેક્નોલોજીની તાલીમ મળતા મારી આંતરિક શક્તિઓ અને કૌશલ્યને નવી દિશા મળી છે. આ કોર્ષ પૂર્ણ થતાં મને વડોદરાના અટલાદરા સ્થિત રિસેન્સ પ્રાઇવેટ લિમિ.માં ડિઝાઇનર તરીકે કામ મળ્યું જેના થકી મને મહિને રૂ.૧૫ હજાર જેવી કમાણી થાય છે અને એ ઉપરાંત હું ઘરેબેઠા ફ્રિલાન્સર તરીકે કામ કરીને રૂ.૧૦ થી રૂ.૧૫ હજાર કમાણી કરું છું. તહેવારો અને લગ્નસરાના સમયે મારું કામ વધી જાય છે આથી મને વધુ રકમ મળી રહે છે, ત્યારે તે રકમ રૂ.૧૦-રૂ.૧૫ હજારથી વધીને રૂ.૨૦-૨૫ હજાર સુધીની રકમ મળી રહે છે. વધુમાં ગુજરાતી કલર્સ પર આવતા ગુજ્જુ આઇકોન કાર્યક્રમમાં પણ ડિઝાઇનર તરીકે જુલાઇ-૨૦૧૯માં મારી પસંદગી થઇ છે. અને આ કાર્યક્રમમાં ડિઝાઇનર તરીકેના કામને બદલે મહિને રૂ.૩૦હજાર મળે છે, આ કોન્ટ્રાક્ટ ચાર માસ સુધી રહેશે.

ખૂશ્બુએ કહ્યું કે, ફેશન શો-૨૦૧૮ યોજાયો હતો જેમાં મેં ભાગ લીધો હતો અને વડોદરામાં મીસ દિવા અને મિસિસ દિવા કાર્યક્રમ યોજાયો હતો, ગુજરાત રાજયના ડિઝાઇનરોએ ભાગ લીધો હતો. જેમાં બેસ્ટ કોસ્ચ્યુમ્સ-૨૦૧૮ અને બેસ્ટ ડિઝાઇનર-૨૦૧૮ તરીકે મારી પસંદગી થઇ હતી. હવે પછી આગામી દિવસોમાં મારે મારું પોતાનું બુટીક પણ શરૂ કરવું તેવી મારું સ્વપન છે.

ખૂશ્બુએ કહ્યું કે, આપણી અંદર બહુ બધી શક્તિઓ હોય છે, પણ યોગ્ય તાલીમ મળે તો યોગ્ય દિશા પર રાહી બની જીવનને ઉજાગર કરી શકીએ. ફેશન ડિઝાઇન ટેક્નોલોજીની તાલીમે મારો ડર દૂર કર્યો અને મને આત્મવિશ્વાસ અપાવ્યો. મારી આંતરિક ખૂબીઓને આ તાલીમે ઓપ આપ્યો છે. આજના સમયમાં સ્વાવલંબન સૌથી મોટા આર્શિવાદ છે તે મેં અનુભવ્યું છે અનેક મહિલાઓ અને યુવતીઓ છે જેમને આઇટીઆઇની તાલીમથી તેમના જીવનમાં પરિવર્તન આવી શકે તેમ છે. મારી આ અભ્યાસ અને કારકિર્દીની યાત્રા એમને માટે પ્રેરણારૂપ બની રહેશે, તેવું મારું મંતવ્ય છે. મારે મારી આ તાલીમ અને આત્મવિશ્વાસ જગાવવા માટે રાજય સરકારનો આભાર માનવો છે.

Next Story
Share it