હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકો માંથી સળિયાની ચોરીનું નેટવર્ક ઝડપાયું.!

New Update
હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકો માંથી સળિયાની ચોરીનું નેટવર્ક ઝડપાયું.!

કોસંબા હાઇવે ઉપરથી ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કીમ કોસંબા નેશનલ હાઇવે ઉપરથી એલ.સી.બી પોલીસે બાતમીના આધારે ટ્રાન્સપોર્ટની ટ્રકોમાંથી ડ્રાઇવર સાથેના મેળાપીપણામાં સળીયાની ચોરી કરતા ત્રણ વ્યક્તિને ઝડપી પાડી ૧.૭૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર જિલ્લાભરના બાંધકામની સાઇટો તેમજ હાઇવે ઉપર ચાલતી ટ્રાન્સપોર્ટની ટ્રકોમાંથી સળીયા ચોરી બાબતે એલ.સી.બી પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે બાતમી આધારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા કોસંબાની હદમાં આવેલ સંમ્રાટ હોટલ ઉપર છાપો માર્યો હતો. જ્યા હોટલના પાર્કિંગમાં સળીયા ભરેલા ટ્રેલર નં.જી.જે-૧૨-બી.ડબ્લ્યુ-૨૪૪૬ ના ચાલક સાથે મળીને સળીયાની ચોરી કરતાં ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે બનાવ સ્થળેથી ત્રણ ઇસમો ટ્રેલરમાંથી લોખંડના સળીયાની ભારી ઉતારી સગેવગે કરતા પકડી લીધા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર વિમલ રાજપુરોહિતની પૂછપરછ કરતા જેણે અમદાવાદ તથા ગાંધીધામ કચ્છ તરફથી આવતા લોખંડના સળીયા ભરેલ ટ્રકોના ડ્રાઇવરો સાથે સંપર્કમાં રહી ડ્રાઇવરની મીલીભગતમાં હાઇવેની કોઈપણ હોટલમાં સળીયાની ભારીઓ ચોરી કરી સગેવગે કરતા હોવાનુ પોલીસ સમક્ષ કબુલ્યુ હતું.

પોલીસે બનાવના સ્થળેથી વિમલ પદમજી રાજપુરોહિત (રહે.શિવશક્તિ હોટલની બાજુમાં પાલોદ), જય કિશન હરિરામ બિષ્નોઇ (રહે.ગાંધીધામ ભચાવ સાંઇ ટ્રાન્સપોર્ટ બાડમેર) મોહન જબ્બર સિંઘ રાજપુરોહિત (રહે. કોસંબા શીતલ હોટલની પાછળ) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે 1.79 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો અનુસાર વિમલ પદમજી અગાઉ પણ કોસંબા અને ભરુચમાં સળીયા ચોરીના ગુનામાં પકડાયો હોવાનુ જાણવા મળ્યુ હતું.