હાર્દિકે આપી સરકારને ચિમકી : ‘પોલીસ હેરાન કરશે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ બગડશે!

New Update
હાર્દિકે આપી સરકારને ચિમકી : ‘પોલીસ હેરાન કરશે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ બગડશે!

ગુજરાતની સરકાર અંગ્રેજો જેવી બનવા જઈ રહી છે : હાર્દિક પટેલ

નિકોલમાં આજે એક દિવસીય ઉપવાસ મામલે હાર્દિકે પત્રકારો સાથે વાત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે, અમારા ઉપવાસ આંદોલનને ડામવા માટે ૧૪૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. નિકોલ, વસ્ત્રાલમાંથી ૫૮, રાજકોટથી આવતા ૨૬ લોકોની અટકાયત કરી છે.

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, અમારા ઉપવાસ આંદોલનને તોડવા સરકારના ઈશારે પોલીસ આ બધુ કરી રહી છે. આખરે સરકાર શું કરવા ઈચ્છે છે. હાલ ૫૯ લોકોને નજરકેદ કરાયાનો સણસણતો આરોપ પણ હાર્દિક પટેલે લગાવ્યો હતો. હાલ મારા નિવાસ સ્થાને ૨૦૦થી વધુ પોલીસ ગોઠવાઈ દેવાઈ છે. આ સરકારની જોહૂકમી દેખાઈ રહી છે. ભાજપના રાજમાં પોલીસ પણ બેકાબૂ બની છે. ગઈકાલ રાતથી પોલીસે લોકોના ઘરે જઈ જઈને અમારા લોકોની અટકાયત કરી છે.

હાર્દિકે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અમે ઉપવાસ કરવા જઈએ છીએ, યુદ્ધ કરવા નથી જતા. અમારા આંદોલનમાં પોલીસ સહયોગ આપે નહીં તો આગળ જતા પરિસ્થિતિ ન બગડે તેનું ધ્યાન સરકારે રાખવાનું છે. તેના માટે અમે જવાબદાર નથી. હાર્દિકે આક્ષેપ કર્યો કે, અમારા ઉપવાસથી ભાજપ સરકાર ડરે છે કેમ તે મને સમજાતું નથી. પાર્કિંગમાં કરું કે મારા ઘરે પ્રતિક ઉપવાસ કરું પણ કરીશ તો ખરી જ, ઉપવાસ પર બેસવું તે બંધારણીય નિયમ છે. પોલીસ હેરાન કરશે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ બગડશે.

આ સાથે હાર્દિકે જણાવ્યું કે, હું મારા દરવાજા પાસે જ ઉપવાસ કરીશ. અને જો પોલીસ સહયોગ આપશે તો નિકોલ જઈશું. ગુજરાતની સરકાર અંગ્રેજો જેવી બનવા જઈ રહી છે. પરંતુ પોલીસની આવી જોહુકમી ચાલું રહી તો હું મારી ધરપકડ સામેથી કરાવીશું.