Connect Gujarat
ગુજરાત

કોલીયાદ ખાતે પીર કાશમશા દાદાના સંદલ શરીફની વિધિ સંપન્ન  કરાઇ.

કોલીયાદ ખાતે પીર કાશમશા દાદાના સંદલ શરીફની વિધિ સંપન્ન  કરાઇ.
X

પાલેજથી પાંચ કીમી ના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત પીર કાશમશા દાદાની દરગાહ ઉપર હજારો શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાઇ હતી. ગામના મદ્રેસા પાસેથી મોડી સાંજના સંદલ શરીફનું એક વિશાળ ઝુલુસ નીકળ્યું હતું. જે ગામના વિવિધ માર્ગો પરથી પસાર થઇ દરગાહ શરીફ પર પહોચ્યું હતું.

જ્યાં કલ્લા શરીફના હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સંદલ શરીફ પ્રસંગે હજરત પીર કાશમશા દાદાના હજારો હિંદુ - મુસ્લિમ અનુયાયીયોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. વડવાઓના સમયથી સંદલ શરીફમાં નિયમિત ભાગ લેતા અને આજે પણ ભાગ લઇ રહેલા ડભોઇ, આમોદ, છોટાઉદેપુર તેમજ બોડેલી સહિત અન્ય ગામોના ખત્રી સમાજના લોકોની વિશેષ હાજરી આંખે ઉડીને જોવા મળી હતી.

સંદલ શરીફ પ્રસંગે દરગાહ આયોજકો તરફથી ભોજનનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. સંદલ શરીફની વિધીમાં કોલીયાદ ગામના હિંદુ સમાજના ભાઇ - બહેનોએ પણ ભાગ લઇ સાંપ્રત સમયમાં કોમ કોમ વચ્ચે વૈમનસ્યના વેર ઝેરનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એક્તાના દિપને પ્રકાશિત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરગાહ કમિટીના રાજુભાઇ હિંમતભાઇ, મોહયુદ્દીન અલ્લારખા તેમજ સમસ્ત ગ્રામજનોએ ખડેપગે હાજર રહી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો...

Next Story