Connect Gujarat
ગુજરાત

ઝઘડીયા મામલતદાર અને રોયલટી ડીપાર્ટર્મેન્ટ દ્વારા બીજા દિવસે પણ ‘ઓપરેશન પુલીયા’ શરૂ

ઝઘડીયા મામલતદાર અને રોયલટી ડીપાર્ટર્મેન્ટ દ્વારા બીજા દિવસે પણ ‘ઓપરેશન પુલીયા’ શરૂ
X

ઝઘડીયા મામલતદાર અને જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા તરસાલી, ટોથીદરા સહિતના નર્મદા કિનારા પર આવેલ લીઝ વિસ્તારમાં બનાવાયેલ પુલીયા–પાળા તોડવાની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી હતી. પાછલા દિવસની બાકી રહેલ કાર્યવાહી હાલના દિવસે ૫ણ ઝઘડીયા મામલતદાર અને ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલા વર્ષોથી ઝઘડીયા તાલુકાના નર્મદા કિનારા પર આવેલ લીઝ વિસ્તારમાં લીઝ સંચાલકો દ્વારા ખનીજ ખનનને લગતા તમામ નિયમો નેવે મૂકી આડેધડ રેતી ઉલેચવામાં આવી રહી હતી. લીઝ સંચાલકો સ્થાનિક પંચાયતના તલાટી, સરપંચને સ્થાનિક નેતાઓનું દબાણ લાવી આવી ગેરકાયદેસરની અને ગ્રામજનોને ત્રાસદાયક કામગરી કરતા આવ્યા હતા. તરસાલી, ટોથીદરા ગામ સુધી પહોંચવાના રસ્તાની એવી બદતર હાલત કરી મૂકી છે કે પગપાળા જવું મુશ્કિલ બન્યું છે.તેમ છતાં સ્થાનિક નેતાઓના ડર થી જનતા વેઠતી આવી છે.

આવ સંજોગોમાં નેતાઓની મિલીભગતથી બધું ચાલતું હતું.વારંવાર જિલ્લા કલેકટર સુધીની રજૂઆત બાદ પણ તંત્ર કાર્યવાહી નહિ કરવા મજબૂર બન્યું હતું. ત્યારે જનતા દ્વારા આ પુલીયા અને પાળા તોડવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતા પુલીયા તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશી અને જિલ્લા ભૂસ્તર વિભાગના કેયુર રાજપુરા દ્વારા ગતરોજથી ઝઘડીયાના નર્મદા કિનારા વિસ્તારની લીઝોમાં બનાવેલ પુલીયા–પાળા તોડવા ‘ઓપરેશન પુલીયા’ શરૂ કરવામાં આવ્યું હતું. ગતરોજ અલગઅલગ ટીમો દ્વારા ઝઘડીયાના નર્મદા કિનાર વિસ્તારમાં આવેલ તરસાલી, ટોથીદરા તથા અન્ય વિસ્તારમાં ૬થી વધુ પુલિયાનો નાશ કરવામાં આવ્યો હતો.

આજરોજ બીજા દિવસે પણ ઝઘડીયાના મામલતદાર અને જિલ્લા ભૂસ્તરની ટિમ દ્વારા અન્ય લીઝ વિસ્તારોમાં બાકી રહેલ પુલીયા. પાળા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મામલતદાર અને ભૂસ્તર વિભાગના ઓપરેશનથી ગેરકાયદેસર ખનીજ ખનન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story