Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : પિંડવાડાથી પાલનપુરનો હાઇવેનો રસ્તો ધોવાઇ ગયો

બનાસકાંઠા : પિંડવાડાથી પાલનપુરનો હાઇવેનો રસ્તો ધોવાઇ ગયો
X

બે મહિના અગાઉ જ આબુરોડ થી પાલનપુર જતા નેશનલ હાઈવે નંબર 27 પર કરોડોના ખર્ચે રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઇ ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાંથી દિલ્હીથી કંડલાને જોડતો મુખ્યમાર્ગ પસાર થાય છે. રાજસ્થાનના પિંડવાડાથી પાલનપુર સુધી ચાર માર્ગીય નેશનલ હાઈવેનું સમારકામ કરવામાં આવ્યું. સમારકામની પૂર્ણ થયા ને હજુ બે માસ જેટલો સમય પણ થયો નથી. તેમ છતાં પહેલા જ વરસાદમાં મસમોટા ગાબડા પડતા વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન છે. જે હાઈવે પર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી શકાય તેવી સૂચના નેશનલ હાઈવે આપે છે પરંતુ આ રોડ પર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ વાહન ચાલી શકે તેમ નથી. રોડ પરના ગાબડા લોકોની ગાડી નુકસાન કરી રહ્યા છે તથા વારંવાર અકસ્માતો પણ થાય છે.

ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સની માતબર રકમ વસુલ કરવામાં આવે છે. પરંતુ ખાડાઓના કારણે જે સુવિધા ભારે વાહનચાલકોને મળવી જોઈએ તે મળતી નથી.સમગ્ર મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે રોડ પર વરસાદના કારણે ખાડા પડ્યા છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવેનું માત્ર સમારકામ કરાવ્યું હોય તો આખરે રોડ સામાન્ય વરસાદ ને બે મહિનાના ટૂંકા ગાળામાં જ કઈ રીતે ખાડાવાળો બની ગયો. રોડ પર પડેલા ખાડા બાદ હવે અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવાની વાત કરી રહ્યા છે, ત્યારે જે અધિકારીઓ પર ગુણવત્તાસભર કામ કરાવવાની જવાબદારી હતી તે અધિકારીઓ રોડની કામગીરી ચાલી રહી હતી તે સમય ક્યાં હતાં તેવા સવાલો ઉભા થઇ રહયાં છે.

Next Story