Connect Gujarat
Featured

અમદાવાદ : બેન્ક મેનેજર અને અન્ય 3 ઇસમોએ મળી 1.40 કરોડની છેતરપિંડી કરી!, જાણો કઈ રીતે

અમદાવાદ : બેન્ક મેનેજર અને અન્ય 3 ઇસમોએ મળી 1.40 કરોડની છેતરપિંડી કરી!, જાણો કઈ રીતે
X

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોર્પોરેશન બેન્કના મેનેજર સહિત ચાર લોકોએ વિશ્વાસઘાટ કરી અભણ જમીનદાર સાથે છેતરપિંડી કરતાં બેન્ક ફ્રોડ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ કોર્પોરેશન બેંકના મેનેજર સહિત 4 લોકો સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર તુલસીરામ પાસીના બાપ-દાદાની કબ્જા ભોગવટાની જમીન ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવી હતી. આ જમીન એજ્યુકેશન સોસાયટીએ વેચાણ લેવાનો નિર્ણય કર્યો હતો. જે સોદા પેટે તુલસી પાસીના ભાગે રૂ.1.40 કરોડની રકમ આવતી હતી.

જમીનના સોદા દરમિયાન તુલસી પાસીએ પોતે ઓછું ભણેલા હોવાથી જીગર તુલીને વ્યવહારમાં જોડે રાખ્યા હતા. જીગરે તમે કોર્પોરેશન બેંકમાં ખાતું ખોલાવો જેથી તમારે જમીનના ધંધામાં જ્યારે જરૂર પડે ત્યારે તમને મોટી એમાઉન્ટ મળી રહે બીજી બેંકમાં રૂ.એક લાખથી વધુ રકમ ઉપાડી નહીં શકાય. આથી તુલસી પાસી આ અંગે જીગર તુલીની વાત માની કોર્પોરેશન બેંક રાણીપ શાખામાં ગયા હતા. જીગરે તેની માતા વીણાબેનના મિત્ર બેંકમાં હોવાનું કહ્યું હતું. બેંક મેનેજર પૂજા સાથે જીગરે મુલાકાત કરાવી હતી.

જો કે બાદમાં જીગર, તેની માતા વીણાબહેન અને મેનેજર પૂજાની હાજરીમાં એકાઉન્ટ ખુલ્યું હતું. થોડા દિવસ બાદ જમીન પેટે રૂ.55 લાખનો ચેક મળ્યો જે ખાતામાં ભર્યો હતો. તુલસીરામના મોબાઈલ પર તેમના ખાતામાંથી રૂ.3 લાખ વીણાબહેનના ખાતામાં જમા થયાનો મેસેજ આવ્યો હતો. આથી જીગર સાથે વાત કરતા તેણે ટેક્નિકલ ફોલ્ટ છે તેમ કહ્યું હતું. બેંકમાં ગયા તો મેનેજર પૂજાએ પણ આ કારણ આપ્યું હતું. એજ્યુકેશન સોસાયટીએ પુરેપુરી રકમના ચેક આપી દેતા તુલસીરામે જમા કરાવ્યા હતા. તેઓના ખાતામાં 1.41 કરોડ જમા થયેલા હતા. બેંકમાં મેનેજરને પૂછતાં તેણે રૂ.1.30 કરોડનું બેલેન્સ હોવાનું કહ્યું હતું. જોકે પાસબુક માં એન્ટ્રી કરી આપી ન હતી. અનેક વાર રજુઆત કરવા બાદ પણ કોઈ જવાબ ન મળતા તુલસી પાસીએ બેંક સ્ટેટમેન્ટ મંગાવ્યુ હતુ જે જોતા જાણ થઈ હતી કે તેમના રુપિયા થોડા થોડ કરીને જીગરએ તેના માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.. અને આ રુપિયા ટ્રાન્સફરનો મેસેજ ન આવે તે માટે તેમનો મોબાઈલ નંબર પણ બેંક દ્વારા બદલી નાખવામાં આવ્યો હતો.. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનએ ફરીયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story