રાજ્યમાં વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સામે આવી ચુક્યા છે, ત્યારે ગુજરાત ATSએ અમદાવાદના નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા છે.
ગુજરાત ATSની ટીમે અમદાવાદમાં નકલી વિઝા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ATSએ બાતમીને આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ એર-વે હોલીડેઝમાં દરોડા પાડ્યા હતા, ત્યારે દરોડામાં સામે આવ્યું હતું કે, અહીં નકલી વિઝા બનાવી આપવામાં આવે છે. જેમાં ATSએ આરોપીઓ નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલની ધરપકડ કરી છે. આ આરોપી જે લોકોને વિદેશ જવાની ઉતાવળ હોય તેને પ્રથમ ટાર્ગેટ કરતા હતા. અને ડુપ્લીકેટ વિઝાના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા 20થી 22 લાખ પડાવતા હતા. આરોપી પાસેથી પોલીસને 5 પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જે પાસપોર્ટમાં કેનેડાના વિઝા હતા, ત્યારે પોલીસે શંકાસ્પદ લાગતા કેનેડા સરકારની એજન્સી મારફતે તપાસ કરતા પાંચેય પાસપોર્ટ ધારકોના વિઝા એપ્લિકેશન રદ્દ થયેલ જાણવા મળ્યું હતું. આરોપી નિલેશ પંડ્યા અગાઉ ચલણી નોટ, નકલી વિઝા અને પાસપોર્ટ જેવા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પિયુષ પટેલ નામનો આરોપી રાજસ્થાનમાં પણ નકલી વિઝાના કેસમાં સંડોવાયેલ છે.
હાલમાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે આરોપીઓએ કેટલા લોકો ભોગ બનાવ્યા, લોકો પાસેથી કેટલી રકમની છેતરપિંડી કરી તેમજ અન્ય આરોપીઓ આ કૌભાંડમાં સામેલ છે કે, નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.