ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણી પત્યાં બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં ભાવવધારો ઝીકી દેવાયો છે.
છેલ્લા 5 મહિનાથી પેટ્રોલ ડીઝલના ભાવ જે સ્થિર હતા તેમાં આજથી પેટ્રોલમાં 80 પૈસાનો વધારો અને ડીઝલમાં 84 પૈસાનો વધારો થતા દેશ અને રાજ્ય ની જનતા માટે ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. ગુજરાતમાં આજથી જ નવો ભાવ વધારો અમલમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરી લોકોના ખિસ્સા ખંખેરવાનો ખેલ શરૂ થઇ ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લિટર પર પહોંચ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યના અન્ય મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.30 ચાલી રહ્યો હતો, જે આજે મધ્યરાત્રિથી બદલાઈ ગયો છે, જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ લિટરદીઠ રૂપિયા 88.89થી વધી રૂપિયા 89.74 થઇ ગયો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. અગાઉ દિવાળીના દિવસે 4 નવેમ્બર 2021 ના રોજ રૂ. 10 પ્રતિ લિટર ભાવ ઘટ્યા હતા. ત્યારથી લઈને 21 માર્ચ 2022 સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે 22 માર્ચે ભાવમાં વધારો થયો છે. રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે.
પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ ખરીદી કરતા લોકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ વેચાણમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. પાંચમાંથી ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ સરકાર જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવવધારો ઝીકી કરી રહી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.