Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાગડાપીઠમાં 16.30 લાખ રૂા.ની લુંટ, હત્યાના આરોપીએ જ લુંટની ઘટનાને આપ્યો અંજામ

લૂંટ કરનાર અન્ય કોઈ નહી, પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર જ આરોપી હોવાનું સામે આવ્યું

X

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા 16.30 લાખ રૂપિયાની લુંટ કરી બે બાઇક સવારો ફરાર થઈ ગયા. જે લૂંટ કરનાર અન્ય કોઈ નહી, પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર જ આરોપી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં સોમવારે કાગડાપીઠ વિસ્તારના વાણિજ્ય ભવનથી કાંકરિયા ઝુ સર્કલ વચ્ચે લૂંટનો બનાવ બન્યો છે. વાણિજય ભવન પાસે થયેલી લુંટની ઘટનાની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી કે બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં આરોપી એવા કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકીએ તેના સાગરિતો સાથે મળી લુંટ કરી હોવાનું જણાયું છે. લુંટના ફરિયાદીઓ નિલેશ વૈષ્ણવ અને યોગેશ પરમારે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ શ્યામ એજન્સીના કર્મચારીઓ છે અને તેમની કંપની આઇટીસીની ડીલરશીપ ધરાવે છે. તેઓ 16 લાખ રૂપિયા ઉપરાંતની રોકડ રકમ લઇ વાણિજય ભવન પાસે આવેલી બેંકમાં જમા કરાવવા જઇ રહયાં હતાં ત્યારે તેમને લુંટી લેવાયાં હતાં.

લુંટની આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. જેમાં હવે ફરિયાદીઓ જ શંકાના દાયરામાં આવી ગયાં છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, એક આરોપી બાઇક લઇને ઉભો છે જયારે બીજો ફરિયાદી સાથે રકઝક કરે છે. થોડી વારમાં બાઇક પરથી એક આરોપી નીચે ઉતરી ફરિયાદી પાસેથી બેગ છીનવી લે છે. બંને આરોપીઓ ત્યારબાદ બેગ લઇને ચાલ્યાં જાય છે.

બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઠેર ઠેર પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી સામે પણ શંકા રાખી પોલીસ તપાસ કરાશે. ત્યારે જોવું એ રહ્યું રાજા નામનો આરોપી કે જેણે પહેલા અમરાઈવાડીમાં હત્યા કરી અને બીજા દિવસે લૂંટ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે.

Next Story