અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું 62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલત ને ધ્યાનમાં રાખીને હવે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જો કે સ્ટેડિયમમાં આવેલ મેદાન ક્રિકેટ તેમજ અન્ય માટે ઉપયોગ થઈ શકશે.
એક મહિના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ ભીડ થઈ હતી અને ત્યારે કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે સ્ટેડિયમમાં બેસવાની જગ્યા અને મોટાભાગની દિવાલોનો RCC ભાગ જર્જરીત હાલતમાં છે. મદ્રાસ IITના સ્ટ્રકચરલ રિપોર્ટ અને અભિપ્રાય મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડીયમ હોવાથી જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટ માટે રીપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જે લોકો રોજ મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે તેના માટે સ્ટેડિયમ ચાલુ રહેશે. સરદાર પટેલ સ્ટેડિયમને 20મી સદીના હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમેન્ટ વોચલિસ્ટ 2020 માં કરવામાં આવ્યો છે. જેથી હવે આખું રીનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં રૂ. 50 કરોડના ખર્ચે આખું રીનોવેશન કરવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર, તેની ડિઝાઇન સહિતની કામગીરી કરવામાં આવશે. ગુજરાત ખેલ મહાકુંભ 2022 ના કાર્યક્રમ દરમિયાન કેટલીક જગ્યાએ પણ આર.સી.સી. પોપડા પડવાની સંભાવના હોય બેઠક વાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડિંગ અને લગાવી પ્રોટેક્શન કરવામાં આવ્યા હતા.