અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે.
અમદાવાદમાં 2008માં શ્રેણીબધ્ધ બોંબ ધડાકા થયાં હતાં. 14 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ ગઇકાલે વિશેષ અદાલતે ચુકાદો જાહેર કર્યો. જેમાં 49 આરોપીઓને દોષી જયારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયાં છે. તારીખ 9મીના રોજ 49 આરોપીઓને સજાનું એલાન કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે સજાની જાહેરાત માટે 3 સપ્તાહનો સમય માંગ્યો હતો. જો કે કોર્ટે તારીખ 11મીએ સજા સંભળાવાનું નકકી કર્યું છે.
મંગળવારે વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપી દીધો હતો. બુધવારના રોજ આરોપીઓને સજા સંભળાવવાની હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ ટકોર કરી હતી કે, જેલમાં બંધ દોષિતોની મુલાકાત લઇ દોષિતોનો પક્ષ પણ જાણવામાં આવે. બીજી તરફ કોર્ટ તરફથી બચાવ પક્ષના વકીલને સવાલ કરવામાં આવ્યો કે શું આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે કે નહી. કોર્ટે દોષિતની શૈક્ષણિક લાયકાત સહિતની વિગત તેમના પરિવાર પાસેથી મેળવવા આદેશ આપ્યો છે. વધુમાં બચાવ પક્ષે સજા સંભાળવવા માટે 3 મહિનાનો સમય માંગ્યો હતો પણ કોર્ટે માત્ર એક જ દિવસનો સમય આપ્યો છે. હવે 11 તારીખે આરોપીઓને સજા આપવામાં આવશે આજે સાંજે 5 વાગ્યા સુધી બચાવ પક્ષના વકીલોએ જેલમાં દોષિતોને મળવા જવાનું રહેશે અને આવતીકાલ સુધીમાં જે પુરાવા મેળવવાના હોય તે મેળવી લેવાના રહેશે.
અમદાવાદમાં 26મી જુલાઇ 2008ના રોજ 21 જગ્યાઓ પર બોંબ વિસ્ફોટ થયા હતાં જેમાં 56 લોકોએ જીવ ગુમાવી દીધાં હતાં જયારે 200થી વધારે ઘાયલ થયાં હતાં. કોર્ટે 49 આરોપીઓને દોષી જાહેર કરી દીધાં છે જયારે 8 આરોપીઓ હજી સુધી પકડાયા નથી. મુખ્ય સરકારી વકીલ અમિત પટેલના કહેવા મુજબ બચાવ પક્ષ તરફથી સજા સંભાળવવા અંગે સમય માંગતી અરજી કરવામાં આવી હતી પણ અમારા તરફથી સમય ન આપવા દલીલ કરાય હતી. હવે 11મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે અને પ્રોસિજર પુરી થયા બાદ દોષિતોને સજાનું એલાન કરી દેવાશે.