Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં ભાઈ આવે તે પહેલા બહેનનો આપઘાત...!

અમદાવાદમાં ભાઈ આવે તે પહેલા બહેનનો આપઘાત...!
X

નણંદના પ્રેમલગ્ન આક્ષેપથી ત્રસ્ત હતી પરિણિતા

રામોલમાં એક પરણિતાએ લગ્નના ૧૮ વર્ષ બાદ સાસરીયાંના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ રામોલ પોલીસમાં નોંધાઈ છે. પિતાએ ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યો છે કે, દીકરીની નણંદે દસ વર્ષ પહેલા ભાગીના પ્રેમ લગ્ન કર્યા હતા. તેને ભગાડવામાં ભાભી એટલે કે, મૃતકનો હાથ હોવાના મહેણાં મારી તેના પતિ સહિતના સભ્યો ત્રાસ આપવા લાગ્યા હતા. તેણે આપઘાત પહેલા બીજી બહેનને વાત કરી હતી. આ વાતની જાણ મૃતકના ભાઈને થઈ ત્યારે તે ઘરેથી તેને લેવા નીકળ્યો હતો. પરંતુ તે નાની બહેનના ઘરે પહોંચે તે પહેલા જ બહેને ફાંસો ખાઈ લીધો હતો.

રાયસણ નજીક પ્રમુખ પાર્ક બંગ્લોઝમાં રહેતા બાબુભાઈ ભીખાભાઈ પટેલ (ઉં.૬૯)એ રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની બીજા નંબરની દીકરી ઉર્વશીબેનના લગ્ન વસ્ત્રાલ માધવ હોમ્સ ખાતે રહેતા કૌશલકુમાર અમરતલાલ પટેલ સાથે ૧૮ વર્ષ અગાઉ થયા હતા. ઉર્વશીબેનને સંતાનમાં દીકરો રીધમ (ઉં.૧૬) અને દીકરી જીયા (ઉં.૧૧) છે. ઉર્વશીબેનની નણંદ પિન્કીબેને દસેક વર્ષ પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા.

ઉર્વશી છેલ્લા કેટલાક સમયથી પિયરમાં આવીને કહેતી હતી કે, નણંદ પિન્કીએ ભાગીને લગ્ન કર્યા છે તેમાં તેને ભગાડવામાં મારો હાથ છે તેવો આરોપ પતિ કૌશલ પટેલ સહિત સાસુ-સસરા કરી રહ્યાં છે. આ વાત તે તેમના સંબંધીઓથી માંડીને ગામના લોકોને પણ કહી રહ્યાં છે. એટલું જ નહીં આ મુદ્દે અવારનવાર પતિ પણ ઉર્વશીબેનને ત્રાસ આપતો હોવાનું અગાઉ ઉર્વશીબેને જ પિયરના સભ્યોને જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા ઉર્વશીબેન દીકરા સાથે તેમના ઘરે આવી હતી અને રડતાં રડતાં આ મુદ્દે સાસરીયાં તકરાર કરતા હોવાની જાણ કરી ત્યારે તેમના ઘરે જઇ સમાધાન પણ કર્યું હતું. .

દરમિયાન ૨૧ ઓગસ્ટે બાબુભાઈના બહેન રમીલાબેને ઉર્વશીબેનના ભાઈ કલ્પેશભાઈને ફોન કરી કહ્યું હતુ કે, ઉર્વશીના સાસરીયાં તેને બહુ ત્રાસ આપી રહ્યાં છે, ઉર્વશી કંઇક કરી લેશે. જેથી કલ્પેશે બહેન ઉર્વશીને ફોન કરીને કહ્યું હતું કે, તું આવેશમાં આવી કોઇ પગલું ન ભરતી હું આવું છું. કલ્પેશભાઈ બહેન ઉર્વશીના ઘરે પહોંચે તે પહેલા જ ઉર્વશીએ ફાંસો ખાઈ લીધો હતો. બાબુભાઈએ આરોપ લગાવ્યો છે કે, દીકરી ઉર્વશીએ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. રામોલ પોલીસે પતિ કૌશલ અમરતભાઈ પટેલ સહિત સાસુ, સસરા મળી કુલ ૭ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..

Next Story