નર્મદા : જિલ્લાના તમામ 12 દર્દીઓ થયાં સાજા, હવે એક પણ એકટીવ કેસ નહિ

Update: 2020-05-05 12:33 GMT

નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના તમામ 12 દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે જતાં રહેતાં હવે સમગ્ર જિલ્લો કોરોના મુકત બન્યો છે.

રાજયમાં અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓ જેટ ગતિથી વધી રહયાં છે તેવામાં આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતો નર્મદા જિલ્લો કોરોનામુકત બન્યો છે.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાંથી કોરોના વાયરસના 12 દર્દીઓ મળી આવ્યાં હતાં. આ દર્દીઓમાં એક મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે. આ મહિલા તબીબને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી જયારે અન્ય દર્દીઓ રાજપીપળામાં ઉભી કરાયેલી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં હતાં. એકબાદ એક દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં એક માત્ર ભદામ ગામના મહિલા દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને પણ રજા આપી દેવામાં આવી છે. આમ જિલ્લાના તમામ 12 દર્દીઓએ સાજા થઇને કોરોનાને મ્હાત આપી છે. કોરોનના છેલ્લા મહિલા દર્દીને પણ તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી. નર્મદા જિલ્લાને હાલ ઓરેંજ ઝોનમાં મુકવામાં આવ્યો છે નર્મદા જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિ વિશે એપેડેમીક ઓફીસર ડોક્ટર આર એસ કશ્યપે વધુ માહિતી આપી હતી.

Similar News