અમદાવાદ : તસ્કરની “મોડસ ઓપરેન્ડી” જાણીને આપ પણ ચોંકી જશો, જુઓ કયા સમયે આપતો હતો ચોરીને અંજામ..!

Update: 2020-10-14 06:53 GMT

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીઓના બનાવો ઘણા જોવા મળી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાચ પોલીસે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે કે, જેની મોડસ ઓપરેન્ડી જાણીને આપ પણ ચોંકી જશો, જ્યારે પ્લેન ટેકઓફ કે લેન્ડ થાય, ત્યારે તેના અવાજનો લાભ લઈ આરોપી ઘરના તાળાઓ તોડી ચોરી કરતો હતો. આ આરોપીએ અત્યાર સુધીમાં 70 જેટલા મકાનોની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે રૂપિયા 4 લાખની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચી લીધો છે. આરોપી હકિમસિંહ ઉર્ફે કાલીયા જેના ઘણા બધા નામ છે, તો તેની પાસે મકાનો પણ અનેક છે. જે ચોરીની મોટી મોટી ઘટનાને અંજામ આપતો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.વાય.બલોચની ટીમને બાતમી મળતા તેઓએ પોતાની ટીમને સાથે વોચ ગોઠવી આરોપી હકિમસિંહની ધરપકડ કરી હતી. જોકે આરોપી હાલ સુરતના અમરોલીમાં રહે છે. મુકેશ નામનો સાગરિત વાહનોની ચોરી કર્યા બાદ હકીમને ફોન કરી જાણ કરતો હતો. જેથી આરોપી હકીમ અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે ચોરીને અંજામ આપી તે વાહન ત્યાં જ મુકીને ફરાર થઈ જતો હતો.

અમદાવાદ પોલીસે વાહન અને 9 જેટલી ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલ્યા છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં તમામ ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાકીવાળી હતી. કોઈ વાહન પસાર થાય અથવા કોઈ પ્લેન ટેક ઓફ અથવા લેન્ડ થાય તે સમયે તેના ભારે અને મોટા અવાજનો લાભ લઈ ઘરનો દરવાજો તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતો હતો. આરોપી હકિમસિંહ અત્યાર સુધીમાં 60થી 70 ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. ઉપરાંત બે વાર તો પોલીસના સંકજામાંથી પણ ફરાર થઈ ગયો હતો. જોકે, આ આરોપી તેના જુદા જુદા સાથીદારો પાસેથી બાઈકની ચોરી કરાવતો અને તે બાઈક મંગાવી રાત્રે તે ચોરીને અંજામ આપી તે બાઈકને ઘટના સ્થળે જ રાખી ફરાર થઈ જતો હોવાનું બહાર આવ્યું છે.

Tags:    

Similar News