અમદાવાદ : ઓઢવમાં મિત્રો વચ્ચે પડી તિરાડ જાણો રૂ.10 લાખની લેતીદેતીમાં શું થયું..!

Update: 2020-07-08 12:44 GMT

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી બાબતે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી અપહરણમાં સંડોવાયેલા વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રૂપિયા 10 લાખની લેતીદેતી બાબતે અપહરણ ઘટનાને અંજામ આપનાર રશ્મિકાંત પટેલ અને હિતેશ પટેલની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. જોકે અપહરણના ગુન્હામાં સંડોવાયેલા વધુ શખ્સોની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓની પ્રાથમિક તપાસમાં આરોપી અને ફરિયાદી જૂના મિત્રો અને સાથે ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. પણ કહેવાય છે કે, રૂપિયાના ખેલ પણ અજીબ હોય છે. જેના કારણે સારા સંબધો પણ શત્રુતામાં ફેરવાઈ જાય છે. એટલે જ 10 લાખ રૂપિયાની લેતીદેતીના કારણે  અપહરણના કિસ્સાએ આકાર લીધો હતો. 10 લાખ રૂપિયા માટે ફરિયાદીનું 5 આરોપીઓએ ભેગા મળી અપહરણ કર્યું હતું. જેમાં અપહરણ કરી ફરિયાદીને હિંમતનગરના કોઈ અંતરિયાળ ગામમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ ખસેડી 2 આરોપીની ધરપકડ કરી છે. જોકે અપહરણના ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ નામે વિશાલ, માસુમ ચૌધરી અને સંદીપ દેસાઈની ધરપકડ કરવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

Tags:    

Similar News