અમદાવાદ : 27મીથી સી પ્લેનમાં કેવડીયા જઇ શકાશે, 20મીથી બુકિંગનો પ્રારંભ

Update: 2020-12-19 10:39 GMT

અમદાવાદ અને કેવડીયા વચ્ચે છેલ્લા 20 દિવસથી બંધ સી-પ્લેન સેવા ફરીથી શરૂ થવા જઇ રહી છે. 27મી તારીખથી કેવડીયા અને અમદાવાદ વચ્ચે સી પ્લેન બે વખત ફેરા મારશે. સી-પ્લેનમાં મુસાફરીનો લાભ લેવા માટે 20મીના રોજથી બુકીંગ શરૂ કરવામાં આવશે.

પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. સી પ્લેન સેવા છેલ્લા 20 દિવસથી બંધ હતી એ સેવા ફરી એકવાર ચાલુ થવા જઈ રહી છે. અમદાવાદથી કેવડિયા શરૂ થયેલી સીપ્લેન સેવા ફરી એકવાર રાબેતા મુજબ ચાલુ થશે. આગામી 27મી ડિસેમ્બરથી સી-પ્લેન ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા માટેનું બુકિંગ 20મી ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું.

રાજયમાં પહેલી નવેમ્બરથી સી પ્લેનનું સત્તાવાર સંચાલન શરૂ કરાયું હતું. જો કે સંચાલન શરૂ થયા બાદ પ્રથમ સપ્તાહમાં જ મેન્ટેનન્સ માટે બે દિવસ માટે ફ્લાઈટ ગ્રાઉન્ડેડ કરી દેવાઇ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સી-પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતું હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરૂરી છે. જ્યારે મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે શનિવારે આ એરક્રાફ્ટ માલદીવ મોકલાયું હતું ત્યારથી આ સેવા બંધ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં 16 રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સી-પ્લેનનું સત્તાવાર શુભારંભ કરાવી પ્રથમ પ્રવાસી તરીકે કેવડિયાથી અમદાવાદ સુધી મુસાફરી કરી આવ્યા હતા.

Tags:    

Similar News