અમદાવાદ : દારૂ પીધેલા પોલીસ કોન્સ્ટેબલે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું, જુઓ પછી શું થયું..!

Update: 2020-10-22 12:32 GMT

રાજ્યમાં દારૂબંધીના કડક અમલની જવાબદારી પોલીસ વિભાગની છે. પરંતુ ખુદ પોલીસકર્મીઓ જ દારૂ પીને ધમાલ કરતાં હોય, ત્યાં પોલીસ સામાન્ય માણસ પાસે દારૂબંધીનો અમલ કેવી રીતે કરાવી શકે..? ત્યારે અમદાવાદ શહેરનો આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં દારૂ પીધેલી હાલતમાં એક પોલીસકર્મીને લોકોએ માર મારતો વિડીયો વાયરલ થયો હતો. જોકે સામસામે ફરિયાદ થતાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણ ગોતા વિસ્તારમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં નાઈટ ડ્યુટી પર હતા, ત્યારે તેઓ દારૂ પીધેલી હાલતમાં એક વાગ્યાની આસપાસ સરકારી બાઇક લઈને ચાંદલોડિયા બ્રિજ નજીક ચા પીવા ગયા હતા, ત્યારે એક પાન પાર્લર નજીક તેઓને પોતાની સ્થિતિનું ભાન ન રહેતા ત્યાં ઉભેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું હતું. સાથે જ લોકોની સાથે બોલાચાલી સહિત દાદાગીરી કરી હતી. જેથી દારૂ પીધેલા પોલીસકર્મીને પાઠ ભણાવવા લોકોએ ભેગા થઈ લાકડીના સપાટા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

આ દરમ્યાન લોકો પોલીસ કોન્સ્ટેબલને માર મારતાં અન્ય લોકોએ માનવતા દાખવી પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત પોલીસ કોન્સટેબલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પોતે દારૂ પીધેલા હોવાથી તબીબે પોલીસને જાણ કરી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ કોન્સ્ટેબલે તાત્કાલિક વિગતવાર ટોળાના એક એક નામ સાથે ફરિયાદ નોંધાવી લીધી. જોકે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ફરજ દરમ્યાન પોલીસ કોન્સટેબને માર મારવાના ગુન્હામાં 6 જેટલા લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News