અમદાવાદ: મંદિરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા

લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે

Update: 2021-10-16 11:21 GMT

લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે. તાજેતરમાં સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ઉમિયા માતાજીના મંદિરમાં આ ગેંગ દ્વારા ધાડ પાડી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પહેલા નોરતાના દિવસે જ સાણંદ ખાતે આવેલા ઉમિયા મંદિરમાં લૂંટ અને ધાડની ઘટના બનવા પામી હતી, જેમાં આરોપી દ્વારા મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને બંધક બનાવ્યા બાદ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ઝડપેલા આ ગેંગના બે શખ્સો છે. જે બંને પિતરાઈ ભાઈઓ પણ છે.

ગ્રામ્ય એલ.સી.બી એ દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય 06 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં સાણંદમાં થયેલી ધાડ, વિરમગામ પાસે થયેલી મંદિરમાં ચોરી અને મોબાઈલ ફોનની લૂંટ, સાણંદના ઇયાવા ગામે મંદિરમાં ચોરી, અડાલજ ખાતે શનિદેવ મંદિરમાં રોકડા રૂપિયાની ચોરી તથા ગાંધીનગરમાં જૈન મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સહિત વડસરમાં જૈન મંદિરમાં ચોરી ઘટનાને અંજામ આપી ચુક્યા છે. આ ગેંગના આરોપી કાળું વિરસિંહ હઠીલા, કેવન વિરસિંહ હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા આ ચારેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ વોન્ટેડ જાહેર કરાયા છે. મહત્વનુ છે કે, આ ગેંગ સવારે આખો દિવસ મજૂરી કામ કરતી અને રાત્રે મંદિરને ટાર્ગેટ બનાવતી હતી.

Tags:    

Similar News