અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું "રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું"

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રે બન્ને મુખ્યમંત્રીઓએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

Update: 2022-04-02 11:00 GMT

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે બન્ને મુખ્યમંત્રીઓએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના પીઢ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગત મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં બંન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત બન્ને મુખ્યમંત્રીઓએ હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ પત્રકાર પરિષદ સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, રાજનીતિની વાતો અમે આશ્રમ બહાર કરીશું. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જેટલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવું છું, તેટલી વખત શાંતિ પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો, ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે, અહીં ગાંધીજીની આત્મા વસે છે.

રાજ્યમાં વહેલી ચૂંટણી થવાની શક્યતા વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તા. 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નિકોલથી બાપુનગર સુધી 1.5 કિલોમીટર સુધી AAPનો રોડ-શો યોજાશે. ભગવંત માને કહ્યું હતું કે, હું જે ધરતી પરથી આવું છું, એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે, ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને સૂતર પણ કાંતે છે.

Tags:    

Similar News