ભરૂચ : અંકલેશ્વરમાં ગ્રાહકોને મળ્યાં લાખો રૂપિયાના વીજબિલ, જુઓ પછી શું થયું

Update: 2020-08-17 12:48 GMT

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલાં રહેણાંક વિસ્તારમાં વીજગ્રાહકોમાં ડીજીવીસીએલ પ્રતિ ભારે રોષ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે વીજ કંપનીએ ફટકારેલાં લાખો રૂપિયાના વીજબિલ છે….

દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો મોટો છબરડો બહાર આવ્યો છે. વીજ ગ્રાહકોને ઘરે અપાયેલાં બિલ તથા ઓનલાઇન બિલની રકમમાં મોટો તફાવત જોવા મળી રહયો છે.લોકડાઉન બાદ હવે લોકોના ઘરે વીજ બિલ મોકલવામાં આવી રહયાં છે પણ બિલની રકમ જોઇ ગ્રાહકોના હોંશ ઉડી ગયાં છે. વાત કરીએ જીઆઇડીસીમાં આવેલી સુખશાંતિ સોસાયટીની.. સોસાયટીમાં રહેતાં એક મહિલા ગ્રાહકના હાથમાં જયારે બિલ આવ્યું ત્યારે તેઓ ચોંકી ઉઠયાં હતાં. લોકડાઉનના સમયમાં તેમણે 80 હજાર રૂપિયાનું એડવાન્સ બિલ ભર્યું હોવા છતાં તેમને એક લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. માત્ર સુખ શાંતિ સોસાયટી જ નહિ કોહીનુર એપાર્ટમેન્ટમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે. એક રૂમના ફલેટમાં રહેતાં પુનિત ઘોડાસરાનું બિલ 8 હજાર રૂપિયા જેટલું આવ્યું છે. તેઓ ફલેટમાં એકલા રહે છે અને દિવસ દરમિયાન નોકરી ઉપર હોય છે ત્યારે આટલી મોટી રકમના બિલે તેમને અચરજમાં મુકી દીધાં છે. તેમનું અત્યાર સુધીનું બિલ 1 હજારથી 1,200 રૂપિયાની વચ્ચે આવતું હતું.

લોકડાઉનના કારણે વેપાર-ધંધા ઠપ થઇ ગયાં હતાં તેવા સમયમાં વીજ બિલની રકમે ગૃહિણીઓની હાલત કફોડી બનાવી દીધી છે. માંડ માંડ કરીને ઘરનું ગુજરાન ચાલતું હોય તેવામાં હજારોની રકમના બિલ તેમને આપવામાં આવ્યાં છે. વીજ બિલના કારણે ગૃહિણીઓને તેમના બજેટમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક ગૃહિણી તૃપ્તિબેન પટેલે વીજ કંપનીના છબરડાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

કનેકટ ગુજરાતની ટીમ ડીજીવીસીએલની અંકલેશ્વર ખાતેની કચેરી ખાતે પહોંચી હતી. જયાં એકાઉન્ટ વિભાગના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ રાજુભાઇ કમલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રિન્ટીંગ મિસ્ટેકના કારણે આ ઘટના બની છે. પણ લોકોને ઘરે આપવામાં આવેલાં બિલ હાથથી લખાયેલાં છે તો પ્રિન્ટીંગ મિસ્ટેક કેવી રીતે થઇ તે તો સાહેબ જ સમજાવી શકે તેમ છે. ઓનલાઇન બિલ અને ઘરે અપાયેલા બિલની રકમમાં તફાવતમાં જવાબદારો સામે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.

Similar News