ભરૂચઃ હિંગલ્લાના યુવકનાં ATM પાસવર્ડ મેળવી રૂપિયા ૬૯,૯૮૮ ઉપાડી લેતો ભેજાબાજ

Update: 2018-08-04 12:31 GMT

અજાણ્યા હિન્દીભાષી યુવકે ફોન કરી તમારૂં બેન્ક ખાતું બંધ થઈ જશે તેમ જણાવી છેતરપિંડી આચરી હતી

આજના ડીજીટલ યુગમાં વધતો જતો ઇન્ટરનેટનો ક્રેઝ તથા ઓનલાઇન સેવા લોકો માટે શ્રાપરૂપ સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. જેનો એક કિસ્સો ભરૂચનાં હિંગલ્લા ગામે પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામમાં રહેતા ઇમરોજ ઇલ્યાસ પટેલના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કોઇ ભેજાબાજ ગઠીયાએ ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ ફોન કરીને એ.ટી.એમ કાર્ડનો પાસવર્ડ મેળવી રૂપિયા ૬૯,૯૮૮ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી. ભેજાબાજ ગઠીયાનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતાં ઇમરોજ નામના યુવકના પગ નીચેથી જાણે કે ધરતી ખસી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંગલ્લા ગામમાં રહી સિલાઇ કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા ઇમરોજ નામના યુવક ઉપર કોઇ હિન્દી ભાષી અજાણ્યા ઇસમે ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ ફોન કરી એ ટી એમ કાર્ડના પાસવર્ડનો નંબર જણાવવા કહેતા ઇમરોજે તે આપવાનું ના પાડ્યું હતું. બાદમાં અજાણ્યા હિન્દી ભાષી યુવકે તમારૂ ખાતુ બંધ થઇ જશે એમ કહી ઘણી જીદ કરતા અંતે ઇમરોજે એ ટી એમ પાસવર્ડ આપતા તેના ખાતામાંથી અનુક્રમે ૨૪,૯૯૯, બાદમાં ૯,૯૯૧, અને ૨૪,૯૯૯ તથા ૯૯૯૯ મળી કુલ રૂપિયા ૬૯,૯૮૮ ઉપડી જતા તેઓએ તાત્કાલિક નબીપુર બેંક ઓફ બરોડા શાખામાં જઇ પોતાનું એકાઉન્ટ બંધ કરાવી દિધુ હતું. લોકચર્ચા મુજબ હિંગલ્લા ગામના અન્ય એ ટી એમ કાર્ડ ધરાવતા ગ્રાહકો ઉપર પણ આ રીતે કોલ્સ આવેલા પરંતુ તેઓએ પોતાના એ ટી એમ કાર્ડના પાસવર્ડ નહીં આપતા તેઓ બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Tags:    

Similar News