ભરૂચ : લગ્ન પ્રસંગમાં ભગવાન પહેલા હવે અધિકારીઓને આપવી પડે છે કંકોત્રી

Update: 2020-11-24 11:52 GMT

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખી લગ્નપ્રસંગોમાં માત્ર 100 અને મરણના પ્રસંગમાં 50 લોકો જ હાજરી આપી શકશે તેવા સરકારના આદેશે લગ્નનો મજા બગાડવાની સાથે આ ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકોની રોજગારી પર અસર પાડી છે.

કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાથી લોકડાઉન અમલમાં આવ્યું હતું. લોકડાઉનથી જ ફરાસખાના, પાર્ટી પ્લોટ અને ડીજેના સંચાલકો ઘરે બેઠા છે. કોરોનાનો કહેર ઓછો થયાં બાદ લગ્નપ્રસંગો 200 માણસોની હાજરી સાથે યોજવાની મંજુરી આપવામાં આવી હતી પણ દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધી જવાના કારણે લગ્નપ્રસંગોમાં હવે માત્ર 100 માણસો જ હાજરી આપી શકશે. સરકારના નિર્ણયના સંદર્ભમાં ભરૂચના કર્મકાંડી ગીરીશ મહારાજે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં લગ્નની કંકોત્રી પ્રભુના ચરણોમાં અર્પણ કરવામાં આવતી હતી હવે કંકોત્રી લઇ પહેલાં સરકારી કચેરીના ધકકા ખાવા પડી રહયાં છે.

લગ્નપ્રસંગોની બદલાયેલી ગાઇડલાઇનની અસર ફરાસખાના તથા ડીજે અને પાર્ટી પ્લોટના સંચાલકો ઉપર પણ જોવા મળી રહી છે. તેઓ પણ છેલ્લા સાત મહિનાથી ઘરે બેઠા છે. ડીજે સંચાલકે જણાવ્યું હતું કે, લગ્નમાં માણસો વધારે હોય તો લોકો ડીજે રાખે પણ માણસો વધારે નહિ હોવાથી લોકો હવે ડીજે રાખતા નથી. નવી સીઝન ચાલું થવાની હોવાથી અમે નવા સાધનો વસાવ્યા પણ હવે લાગે છે કે હપ્તા ભરાય તેટલી રકમ પણ નહિ મળે. ફરાસખાનાવાળાઓની પણ આવી જ સ્થિતિ છે. પાર્ટી પ્લોટના સંચાલકોએ જણાવ્યું હતું કે, લગ્ન માટે થયેલાં બુકિંગ લોકો રદ કરાવી રહયાં છે. અમારે પાર્ટી પ્લોટના મેઇન્ટેન્સ માટે 35 હજાર જેટલો ખર્ચ થાય છે તે કાઢવો પણ મુશ્કેલ બની ગયો છે. આ કોરોના સાચા અર્થમાં અમારા માટે કહેર લઇને આવ્યો છે.

Tags:    

Similar News