ભરૂચ: ઝઘડીયાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ,8 આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

Update: 2022-02-18 10:17 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઈ જવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેમજ અન્ય 7 શખ્સોને બોલાવી કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું.

ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે એક શખ્સે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી આ શખ્સને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે.16 ફેબ્રુઆરીની રાત્રે આ શખ્સ ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ કિશોરી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે શખ્સ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો. પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને નરાધમે ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા.

આ 7 શખ્સોએ પણ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી. પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી. જેણે પરિવારને આપવીતી કહેતા માતા-પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને કિશોરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઝઘડીયા પોલીસે આ મામલામાં 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇ ચલાવી રહ્યા છે

Tags:    

Similar News