ભરૂચ : કેસરગામના વિકાસમાં તંત્રની આળસ, લોકોએ મતદાન ન કરી ઠાલવ્યો રોષ

કેસરગામમાં એક પણ વોટ પડયો ન હતો. ગામમાં વિકાસના કામો નહિ થતાં હોવાથી રોષે ભરાયેલાં લોકોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો

Update: 2021-12-19 13:16 GMT

ભરૂચ જિલ્લામાં રવિવારના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન વાલિયાના કેસરગામમાં એક પણ વોટ પડયો ન હતો. ગામમાં વિકાસના કામો નહિ થતાં હોવાથી રોષે ભરાયેલાં લોકોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ ભલે આગળ વધી રહયો હોય પણ અમુક ગામડાઓ હજી વિકાસની બાબતે પછાત છે. કેટલાય ગામોમાં હજી પાકા રસ્તા, નદીઓ કે ખાડીઓ પર પુલ સહિતની અનેક સુવિધાઓનો અભાવ છે. નદીઓ કે ખાડીઓ પર પુલ નહિ હોવાથી લોકોને જીવના જોખમે નદી કે ખાડી પાર કરવી પડે છે. વાલીયાની ઇટકલા ગૃપ ગ્રામ પંચાયતમાં આવેલાં કેસરગામની પણ આવી જ હાલત છે. ગામ લોકો વર્ષોથી કીમ નદી પર પુલની માંગણી કરી રહયાં છે પણ તંત્ર હજી તેમને પુલની સુવિધા આપી શકયું નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ ગામમાં આવીને મોટા- મોટા વાયદાઓ કરી જાય છે પણ માંગણીઓ પુર્ણ થતી નથી. અધિકારીઓ તથા પદાધિકારીઓને સબક શીખવાડવા માટે ગામલોકોએ રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં મતદાન જ કર્યું ન હતું. 355 મતદારો ધરાવતાં ગામમાં એક પણ વોટ પડયો ન હતો.

Tags:    

Similar News