ભરૂચ : વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનમાં કોર્ટના આદેશનું પાલન કરવા રજુઆત

Update: 2021-10-06 13:08 GMT

વડોદરા અને મુંબઇ વચ્ચે નવો એકસપ્રેસ હાઇવે બની રહયો છે અને તેના માટે ભરૂચ જિલ્લાના ગામોમાંથી પણ જમીન સંપાદન કરવામાં આવી છે. જમીન સંપાદનના મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું નહી હોવાની રજુઆત દેરોલ, દયાદરા તથા થામ ગામના ખેડુતોએ કરી છે.

ભરૂચ જિલ્લામાંથી વડોદરા- મુંબઇ વચ્ચેનો એકસપ્રેસ હાઇવે પસાર થવાનો છે આ હાઇવેના નિર્માણ માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે. દયાદરા, દેરોલ અને થામ ગામના ખેડુતોએ જમીન સંપાદન અધિકારીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, તેમની જમીન વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે માટે સંપાદિત થયેલી છે. 2017માં તેમને ફેકટર-1 પ્રમાણે વળતરની ચુકવણી કરવામાં આવી હતી. જમીનના બદલામાં ફેકટર-2 મુજબ વળતર મેળવવા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કેસ કર્યો હતો.તારીખ 23મી જુન 2021ના રોજ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં આઠ અઠવાડીયામાં જમીન સંપાદન અધિકારીને હિસાબ કરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. હાઇકોર્ટના આદેશ મુજબ હિસાબની કાર્યવાહી પુર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ 20 દિવસની મુદ્દતમાં નેશનલ હાઇવે ઓથોરીટીમાં પૈસા જમા કરાવી ખેડુતોને વળતર ચુકવી દેવા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. આ વીસ દીવસ વીતી ગયાં હોવા છતાં ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું નથી. અસરગ્રસ્ત ખેડુતોએ જમીન સંપાદન અધિકારીને વિનંતી કરી વહેલી તકે વળતરની રકમ ચુકવી આપવા જણાવ્યું છે. જો તેમને હાઇકોર્ટના આદેશ મુજબ વળતરની ચુકવણી નહિ કરાય તો કોર્ટના આદેશની અવમાનના કરવાનો કેસ દાખલ કરવાની તેમણે ચીમકી આપી છે. 

Tags:    

Similar News