સુરત : ભરૂચ લુંટ પ્રકરણમાં હાથમાં ગોળી વાગી છતાં "માલધારી"એ લુંટારૂઓ સામે હિમંત ન હારી

મુલદ પાસે આંગડીયાના કર્મીઓને લુંટવાનો થયો હતો પ્રયાસ, લુંટારૂઓએ બંદુક બતાવતાં લકઝરી બસનો ડ્રાયવર ભાગી ગયો.

Update: 2021-08-25 12:32 GMT

ભરૂચ નજીક લુંટ પ્રકરણમાં માલઘારી સમાજના અનિલ ડાંગર તથા બસના કલીનરની હિમંતથી કરોડો રૂપિયાના હીરાની લુંટ થતાં અટકી છે. ઇજાગ્રસ્ત અનિલ ડાંગર સુરતની હોસ્પિટલમાં સારવાર લઇ રહયો છે પણ તેની ખબર લેવા ન તો ટ્રાવેલ્સના સંચાલકો આવ્યાં છે કે ન તો આંગડીયા પેઢીના સંચાલકો.. આ બહાદુર યુવાનની બહાદુરીને કામરેજના માલઘારી સમાજે બિરદાવી તેના ખબર અંતર પુછયાં હતાં.

તારીખ 24મી ઓગષ્ટના રોજ વહેલી સવારે ભરૂચના મુલદ નજીક લકઝરી બસને રોકીને તેમાં મુસાફરી કરતાં આંગડીયા પેઢીના કર્મચારીઓને લુંટવાનો પ્રયાસ થયો હતો. મુલદ પાસે અર્ટિગા કારમાં આવેલાં એક લુંટારૂએ લકઝરી બસને રોકી હતી અને બસમાં બેઠેલા ત્રણ લુંટારૂઓ પણ ઉભા થઇ ગયાં હતાં. એક લુંટારૂએ બંદુક બતાવતાં બસનો ડ્રાયવર ભાગી ગયો હતો પણ બસના કલીનર અને અન્ય એક મુસાફર અનિલ ડાંગરે લુંટારૂઓનો મુકાબલો કરતાં દરવાજો બંધ કરી દીધો હતો. દરવાજો પકડી રાખનારા અનિલ ડાંગર પર લુંટારૂઓએ ફાયરીંગ કરતાં તેને હાથ પર ઇજા પહોંચી હતી પણ તેણે હિમંતથી દરવાજો પકડી રાખતાં લુંટારૂઓના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. આવો સાંભળીએ અનિલ શું કહી રહયો છે.

લુંટારૂઓએ બસને રોકી તે સમયે બસમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસે કરોડો રૂપિયાની કિમંતના હીરા હતાં તેમજ અન્ય મુસાફરો પાસે પણ કિમંતી સામાન હતો. જો લુંટારૂઓ બસમાં ચઢી ગયાં હોત તો કરોડો રૂપિયાની લુંટ થઇ હોત પણ અનિલ અને બસના કલીનરની હિમંતથી બધુ બચી ગયું છે. અનિલ ડાંગર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહયો છે પણ અફસોસ એ વાત નો છે કે કરોડોનો મુદ્દામાલ બચાવનાર અનિલ ડાંગરની ખબર કાઢવા ચાર પેકીના એક પણ આંગડીયા પેઢીના સંચાલક કે ટ્રાવેલ્સ કંપનીના સંચાલક પણ આવ્યાં નથી. પણ અનિલની બહાદુરીથી સમસ્ત માલધારી સમાજ ગૌરવ અનુભવી રહયો છે.

Tags:    

Similar News