ભાવનગર : ભરૂચ નજીક દરિયામાં માછીમારી કરવા આવ્યા હતા ઘોઘાના માછીમારો, જુઓ કેવી રીતે બન્યા રાતોરાત લખપતિ..!

Update: 2021-02-08 15:51 GMT

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના માછીમારો દરિયામાં હોડી લઈને માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેમ કુદરતી કરામત થતાં એક દિવસમાં તેઓ લખપતિ બની ગયા છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરના ઘણા માછીમારો માછીમારી કરવા માટે દરિયો ખેડે છે, ત્યારે સામાન્ય દિવસની જેમ ગત ગુરુવારની રાત્રીના સમયે ઘોઘાના 4 માછીમારો દરિયો ખેડવા નિકડ્યા હતા. જેમાં હોડી નં. IND-GJ-4-MM-286 લઇને યોગેશ મેર, જીતુ વેગડ, મુકેશ મેર અને મહેશ ચૌહાણ પોતાના નિત્યક્રમ મુજબ ભરૂચ પાસેના કાવી-કંબોઈ નજીક દરિયામાં માછલી પકડવા પહોચ્યા હતા, ત્યારે માછીમારની જાળીમાં એક સાથે કુંટ માછલીનું આખું ઝુંડ ફસાયું હતું.

ત્યારબાદ આ માછીમારો પોતાની હોડીમાં આ કુંટ માછલીઓ ભરીને ઘોઘા બંદર પર આવ્યા હતા. જ્યાં બોટમાંથી માછલીઓને ઘોઘા જેટી પર ગણવામાં આવતા કુલ 232 નંગ કુંટ માછલીઓ પકડાઈ હતી. આ કુંટ માછલીઓનું કુલ વજન 2477 કિલો જેટલું થયું હતું. જોકે કહેવામાં આવી રહ્યું છે કે, લાંબા સમય પછી એક સાથે આટલી બધી કુંટ માછલીઓ મળી આવી છે. ઘોઘાના આ માછીમારોને આટલી મોટી માત્રામાં કુંટ માછલીઓ આવી હોવાની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી, ત્યારે ઘોઘા જેટીએ લોકો મોટી સંખ્યામાં આ કુંટ માછલીઓ જોવા ટોળે વળ્યાં હતા. જ્યારે વેરાવળના એક વેપારી દ્વારા 232 નંગ કુંટ માછલીઓની ખરીદી કરવામાં આવી હતી. કુંટ માછલીનો એક કિલોનો ભાવ 480 રૂપિયા છે, ત્યારે 232 નંગ માછલીઓનું કુલ વજન 2477 કિલો થયું હતું. જેની કુલ કિંમત 11,88,000/- રૂપિયા થઈ હતી. જોકે ઔષધીય ગુણોના કારણે આ કુંટ માછલી સ્વાદિષ્ટ હોય છે. અને સાથે જ પૂર્વ એશિયામાં આ માછલીની કિંમત ઘણી વધુ મળતી હોય છે. આ માછલી સામાન્ય રીતે સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. કુંટ માછલીની ચામડી અને તેના ફેફસાનો ઉપયોગ દવાઓ સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવામાં પણ થાય છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ સામગ્રીની વૈશ્વિક માંગ ખૂબ વધી છે.

Tags:    

Similar News