ભાવનગર : અયાવેજ ગામે રૂ. 1 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું...

Update: 2021-12-28 04:35 GMT

સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે. તે અંતર્ગત આજના બીજા દિવસે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવેજ ગામે રૂ. ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્ણાબા સરવૈયાએ કર્યું હતું. ઉપરાંત દેપલા અને તાતણીયા ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અયાવેજ ગામે નવા તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટેની જમીન ગામના ખુમાનસિંહ સરવૈયાએ દાનમાં આપેલી છે. આ અવસરે જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્ણાબા સરવૈયાએ જણાવ્યું કે, જેસર તાલુકોએ ભાવનગર જિલ્લાનો સૌથી છેવાડે આવેલો તાલુકો છે. જેસર તાલુકામાં કોઈપણ વ્યક્તિ બીમાર પડે કે, તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે અહીંથી છેક ભાવનગર શહેર સુધી જવું પડે છે. જેમાં કટોકટીનો સમયગાળો વીતી જવાથી ઘણી વાર દર્દી માટે તે પ્રાણઘાતક નીવડતો હોય છે. તેવા સમયે ઘરઆંગણે જ આવાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા થવાથી મુશ્કેલીમાં રહેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળવાથી તેનો જીવ બચાવી શકાય છે. પૂર્ણાબાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ લોકોની સેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ત્યારે તેનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

Tags:    

Similar News