સાબરકાંઠા : હિંમતનગરમાં બાળકનું ભ્રૂણ મળી આવ્યું, શ્વાનોએ ફાડી ખાતાં લોકોમાં અરેરાટી...

એક શ્વાન પોતાના મોઢામાં નાનું બાળક લઇને ફરતું જોવા મળતાં લોકોએ બૂમાબૂમ કરતાં તે બાળકને મૂકીને જતું રહ્યું હતું.

Update: 2021-11-17 06:38 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની માર્કેટ યાર્ડની પાછળ આવેલ સોસાયટીમાં ગત મંગળવારની વહેલી સવારે મોઢામાં નવજાત બાળક લઇને ફરતું શ્વાન જોવા મળતાં લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

હિંમતનગર શહેરની સંસ્કાર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘર આંગણે ગત મંગળવારની વહેલી સવારે એક શ્વાન પોતાના મોઢામાં નાનું બાળક લઇને ફરતું જોવા મળતાં લોકોએ બૂમાબૂમ કરતાં તે બાળકને મૂકીને જતું રહ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. નજીક જઇને જોતાં બાળકનું મોઢુ ગરદન તથા છાતીના ભાગને શ્વાને ફાડી ખાધો હતો. જોકે, લોકોએ આજુબાજુમાં તપાસ કરતાં સોસાયટીના પાછળના ભાગે બની રહેલ ગટર લાઇનના ખોદકામમાંથી પીળા કલરની સાડીમાં નાના બાળકનું જેકેટ અને અન્ય કપડા મળી આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે નવજાત બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સ્થાનિકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News