વડોદરા : અસહ્ય ગરમીના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડી, ખેડૂતોમાં નિરાશા..!

હાલ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી પડે છે, ત્યારે વડોદરા જીલ્લામાં પણ આંબાવાડી ધરાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે.

Update: 2023-04-25 09:33 GMT

હાલ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી પડે છે, ત્યારે વડોદરા જીલ્લામાં પણ આંબાવાડી ધરાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે. તો બીજી તરફ, ખેડૂતોને કેરીઓના સારા ભાવો પણ મળતા નથી.

રાજ્યમાં અસહ્ય ગરમી અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે. કેરીઓનો ગઢ કહેવાતા તાલાલા અને ગીરમાંથી પણ સારા સમાચાર મળ્યા નથી. કેરીના પાકને ભારે નુકશાન પહોચવાથી ખેડૂતો નિરાશ થયા છે, જ્યારે આજ પ્રમાણે વડોદરા જીલ્લામાં પણ આંબાવાડી ધરાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે. અસહ્ય ગરમીના કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી પડે છે. જેના કારણે ખેડૂતોને કેરીઓના સારા ભાવો મળતા નથી. કરજણ તાલુકામાં આંબાવાડી ધરાવતા એક ખેડૂતે જણાવ્યું હતું કે, ગરમીનું પ્રમાણ વધતા કેરીના પાકમાં ભારે નુકશાન જઈ રહ્યું છે. દર વર્ષે ઉત્પાદન ઘટી રહ્યું છે. કરજણ-શિનોર પંથકમાં મોટાભાગે કેસર, રાજાપુરી, લંગડા, તોતાપુરી સહિતની કેરીઓના આંબા આવેલા છે. કેરીઓના ઉત્પાદનને અનુકુળ વાતાવરણ આ વર્ષે મળ્યું નથી. શરૂઆતમાં કમોસમી વરસાદ અને ત્યારબાદ અસહ્ય ગરમીના કારણે આંબા પરથી કેરીઓ પાકતા પહેલા જ ખરી પડે છે. આ કાચી કેરીઓની બજારમાં કોઈ સારી કિંમત આપતું નથી. એક અંદાજ પ્રમાણે ગેરવ કાચી કેરીનો ભાવ પ્રતિ 20 કિલોના 100થી 150 રૂપિયા મળી રહ્યો છે. જે ખેડૂતો માટે સારી કિંમત નથી, ત્યારે કેરીના સારા ભાવ નહીં મળતા ખેડૂતોને કેરીઓ ખૂબ જ સસ્તા ભાવે બજારમાં વેચવી પડે છે. જેના કારણે ખેડૂતો ભારે નિરાશ થયા છે. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ ઘટે નહીં તો કેરીઓનું ઉત્પાદન ખૂબ નહીવત થશે. જેથી ખેડૂતો આંબાવાડીમાંથી આંબાના વૃક્ષ ઓછા કરવાનું પણ વિચારી રહ્યા છે.

Tags:    

Similar News