જામનગર : ઢીંચડા પાસેના વિશાળ તળાવમાં યાયાવર પક્ષીઓનું આગમન

Update: 2020-12-05 12:27 GMT

પ્રતિવર્ષ શિયાળાની ઋતુમાં જામનગર યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ બની રહે છે ત્યારે જામનગર સહિત આજુબાજુના જળ પ્લાવિત વિસ્તારોમાં આ પક્ષીઓ ખોરાક અને રાત્રિ રોકાણ કરે છે. આ વિસ્તારો પૈકી જામનગરના ઢીંચડા ગામ નજીકના વિશાળ તળાવમાં હાલ અનેક યાયાવર પક્ષીઓએ આગમન કર્યું છે. જો કે અહીં ગેરકાયદેસર રીતે કચરાનું ડંપિંગ કરવામાં આવતું હોવાથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જામનગરના ઢીંચડા ગામનું તળાવ દરિયા કિનારા નજીકનું સ્થળ છે. અહીં પક્ષીઓને મીઠું પાણી અને તેમાં મોટી સંખ્યામાં માછલીઓ મળી રહેતી હોય છે. માટે વિદેશી પક્ષીઓ તળાવના મહેમાન બને છે. હાલ આ તળાવમાં ફ્લેમિંગો, પેલીક્ન, પેઇન્ટેડ સ્ટ્રોક, ડક અને સ્કીમર સહિતના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓને નિહાળવા અને તેની ફોટોગ્રાફી કરવા રાજ્ય તેમજ રાજ્ય બહારના પક્ષી પ્રેમીઓ અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર તળાવની મુલાકાત લેતા હોય છે. પરંતુ અહીં જ્યાં પક્ષીઓ પધારે છે ત્યાં જ ગેરકાયદેસર ડંપિંગ હોવાથી કચરાઓના ઢગલા અને તીવ્ર દુર્ગંધનો સામનો પક્ષીપ્રેમીઓને કરવો પડે છે. પક્ષીઓની ફોટોગ્રાફી એક સાધનાનો વિષય છે કલાકો સુધી હાલયા ચાલ્યા વગર સ્થિર એક જ જગ્યાએ બેસી પક્ષીઓની દિનચર્યાઓ કેમેરામાં કંડારાતી હોય છે. અને કલાકોની જેહમત બાદ એક સુંદર તસવીર ફોટોગ્રાફરના નિજાનંદમાં વધારો કરી દે છે. આવા સમયે ઢીંચડા તળાવમાં મોટા પ્રમાણમાં ઠલવાતો કચરો અહીં આવતા પક્ષીઓ માટે ખોરાકમાં ઝેર સાબિત થઈ પક્ષીઓના મોતનું કારણ પણ બની શકે છે. ત્યારે વહેલી તકે આ કચરો ઠાલવવાની પ્રવૃતિને તંત્ર દ્વારા બંધ કરવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉપરાંત યાયાવર પક્ષીઓને પણ આ કચરાથી મોટું નુકશાન થાય છે.

Tags:    

Similar News