જેતપુર : લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે વીરપુર પંથકના ખેડૂતો બન્યા પાયમાલ, જુઓ મગફળીના પાકનું શું કર્યું..!

Update: 2020-09-21 10:59 GMT

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં વીરપુર પંથકના મોટાભાગનો પાક નિષ્ફળ જતાં મગફળીનો પાક ખેડૂતોએ સળગાવી નાખ્યો હતો, ત્યારે હવે જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની જતાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ વર્ષે ભારે વરસાદના કારણે લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે વીરપુર પંથકના ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેમાં વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ આકેયાખો પાક સળગાવી નાખ્યો હતો. સરકાર તરફથી પાક નુકશાનીનો સર્વે ક્યારે થશે અને ક્યારે સહાય મળશે તે અંગે હાલ ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ઉપરાંત ખેડૂતો પાસે ખેતર સાફ કરાવવા માટે મજુરીના પૈસા પણ નથી રહ્યા. જેથી વીરપુર પંથકના કેટલાક ખેડૂતોએ પોતાના ખેતર કે, જેમાં મગફળી કાઢીને રાખી હતી. તેના પર 2 દિવસથી સતત વરસાદ પડતાં હવે મગફળીના પાક કોઈ કામનો ન રહેતા ખેડૂતોએ પોતાનો પાક સળગાવ્યો હતો.

વીરપુર પંથકના ખેડૂતોએ જણાવ્યુ હતું કે, હાલ મગફળીના એક છોડમાં 20થી 25 દાણા હોય તેમાં હાલ માત્ર 5થી 6 જ દાણા જોવા મળે છે, ઉપરાંત મગફળીને ખોલતા અંદર દાણો નીકળતો જ નથી. જેથી નવા પાકનું પણ વાવેતર કરવા માટે ખેતર સાફ કરવા કરતાં પાક સળગાવવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. જોકે લાખો રૂપિયાના ખર્ચે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત કોપાયમાન થતા ભારે વરસાદે ઉભા પાકનો સોથ વાળી દીધો છે, ત્યારે હવે ખેડૂતોનો પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયો છે. હવે સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News