ખેડા : વાસણા મહિલા સરપંચના મકાનમાં પોલીસે પાડ્યો દરોડો, જુઓ પોલીસને શું મળ્યું..!

Update: 2021-01-16 07:38 GMT

ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સરપંચોના ભ્રષ્ટાચારનો મામલો હજુ થાળે પડ્યો નથી, ત્યારે વાસણા ગામના મહિલા સરપંચના મકાનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા 6 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સરપંચના પતિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વાસણા ગામે સરપંચ પદ ધરાવતા મહિલા સરપંચના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મહુધા પોલીસ ઈન્સ્પેકટર અને LCB પોલીસ સહિતનો કાફલો નાઈટ પેટ્રોલિંગમાં ફરજ પર હતો તે દરમ્યાન વાસણા ગામે રાત્રિના લગભગ 12 વાગ્યાના અરસામાં મહિલા સરપંચના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 594 જેટલી વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 2,25,900 તથા કાર અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 6,30,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી મહિલા સરપંચના પતિ સુમિત પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહુધા તાલુકામાં સરપંચના ભ્રષ્ટાચારના મામલે હજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારના પ્રામાણિક પારદર્શી વહીવટ આપનાર મહિલા તાલુકા વિકાસ અધિકારીને મહુધામાંથી તાત્કાલિક બદલી કરીને સુઈ ગામ તાલુકા પંચાયતમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે મહિલા સરપંચના ઘરેથી દારૂનો જથ્થો મળી આવતા પારદર્શી અને સંવેદનશીલ સરકારને જાણે કાળો ધબ્બો લાગ્યો હોવાનું પ્રમાણ સામે આવ્યું છે. સમગ્ર મામલે મહુધા પોલીસે મહિલા સરપંચના પતિ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News