કચ્છ : પોસ્ટ ઓફિસ કૌભાંડનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી થયો ફરાર, પોલીસ બેડામાં મચ્યો હડકંપ

Update: 2021-03-06 11:22 GMT

કચ્છ જિલ્લાના ભુજમાં પોસ્ટ ઓફિસ કૌભાંડનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. જોકે હાજર પોલીસને થાપ આપી કૌભાંડી ભાગી જતા તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ કરવામાં આવ્યું હતું. જે ગુનહામાં ભુજ એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોસ્ટ એજન્ટ આરોપી સચિન ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. જેના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા, ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરવાનો હતો. જોકે સવારના સમયે જ આરોપી સચિન ઠક્કર પોલીસ  કસ્ટડીમાંથી ભાગી જતા હલચલ મચી ગઇ છે. જોકે આરોપીને વહેલી તકે ઝડપી લેવા માટે ભુજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિત પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી ગઈ છે.

અત્રે મહત્વની વાત તો એ છે કે, ભુજ એ’ ડિવિઝન મથકના લોકઅપ નંબર 3માં આરોપી સચિન ઠક્કરને રખાયો હતો. જે આજે વહેલી પરોઢે પોલીસને ચકમો આપી કાળા રંગની ગાડીમાં ફરાર થઈ જતા નાકાબંધી પણ કરાઈ છે. પોસ્ટ ઓફિસમાં રૂપિયા 8 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધી તપાસ દરમિયાન દોઢ કરોડની ગોબાચારી સામે આવી છે. જોકે, આરોપી પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટે તેમાં પ્રથમ બેદરકારી હાજર પોલીસ સ્ટાફની છે. જેથી એસપી સૌરભસિંઘ દ્વારા બનાવ અનુસંધાને ખાતાકીય તપાસના પણ આદેશો અપાયા છે. જોકે ગણતરીના કલાકોમાજ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

Tags:    

Similar News