રાજકોટ : લક્ષ્મીનગરમાં અંડરબ્રિજની કામગીરી માટે તોડાયા ઝૂંપડા, 100થી વધુ પરિવારો બન્યાં ઘરવિહોણા

Update: 2020-03-03 12:29 GMT

રાજકોટમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે લક્ષ્મીનગર નાળા ખાતે અંડરબ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની કામગીરી પહેલાં નડતરરૂપ 111 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવતાં 500થી વધારે લોકો ઘર વિહોણા બન્યાં છે.

રાજકોટમાં લક્ષ્મીનગર નાળાની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંડરબ્રિજ માટે નડતરરૂપ દબાણો દુર કરવા માટે મહાનગર પાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. સ્થાનિકોના વિરોધ વચ્ચે 111 જેટલા ઝૂંપડાઓને જમીનદોસ્ત કરી નાંખવામાં આવ્યાં હતાં. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે અમને ઝુપડપટ્ટી છોડીને જવામાં કોઇ જ વાંધો નથી. અમે કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ તેમજ પશ્ચિમ રેલવે રાજકોટના ડી.આર.એમને રજુઆત કરી છે પણ તેમના તરફથી કોઇ કાર્યવાહી નહી થતાં અમે રઝળી પડયાં છે.

લોકોની સુખાકારી માટે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે પણ ગરીબ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા નહિ કરવામાં આવતાં તેમની હાલત કફોડી બની છે. નાના બાળકો સાથે લોકો રસ્તા પર આવી ગયા છે. લારી ચલાવતા આ પરિવારના લોકો રોજનું લઇને રોજનું પેટીયું રળી રહ્યા છે ત્યારે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. લોકોની નજર સામે જ તેમનો આશિયાના છીનવાઇ ગયાં છે.

Similar News