રાજકોટ: એરપોર્ટ પર પાટીલનું કરાયું ભવ્ય સ્વાગત; કહ્યું- પાટીદાર આંદોલનના 78 કેસ પાછા લેવામાં આવશે

રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Update: 2021-11-20 09:09 GMT

રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી. આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુ વાળા બહારગામ જતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પ્રેસ-કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે.

છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ માંગણી કરી રહ્યો છે કે આંદોલન સમયના કેસો સરકાર પાછા ખેંચે અલગ અલગ સંગઠને આ બાબતે સરકાર સાથે અનેક વખત મંત્રણા પણ કરી છે ત્યારે આજે રાજકોટમાં સીઆર પાટીલનું સૂચક નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું કે અનેક કેસો પાછા ખેંચાયા છે. બાકીના લગભગ 78 કેસ વિડ્રો માટે પ્રોસેસ ચાલુ છે. આમ ચૂંટણી પહેલા ભાજપ પાટીદાર સમાજને પોતાની બાજુ લેવા હર સંભવ કોશિશ કરી રહ્યું છે. એક બાજુ આજે સીએમ ભુપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હજાર છે હજારો પાટીદારો ભેગા થયા છે. ત્યારે બીજીબાજુ 78 કેસ પાછા ખેંચવાનું નિવેદન પણ સૂચક છે.

Tags: