સુરત : મેઘરાજા ઓળઘોળ થતાં કીમ નદીમાં આવ્યું ઘોડાપુર, કઠોદરા ગામે NDRFની ટીમ તૈનાત

Update: 2020-08-15 08:20 GMT

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવતા સુરત જિલ્લો પાણી પાણી થઈ ગયો છે, ત્યારે ઉમરપાડા, માંગરોળમાં વરસી રહેલા સતત વરસાદના કારણે કીમ નદીમાં ઘોડાપુર આવતા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં સાર્વત્રિક 2 ઈંચથી 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળમાં વરસી રહેલા વરસાદના કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થવા પામી છે. જેમાં નદીના નીર કઠોદરા ગામ અને કીમ-કોસંબાને માર્ગ પર પર ફરી વળ્યાં છે. કઠોડરા ગામમાં આવેલ માલધારીઓના નેહડા અને હળપતિવાસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે હજી 3-4 દિવસ સુધી સુરત જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા કીમ ખાતે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, ત્યારે NDRFની ટીમે કીમ નજીક આવેલા કઠોડરા ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Tags:    

Similar News