સુરત: ONGC બ્રિજની રેલીંગ તોડવા બદલ ઉદ્યોગપતિ પુત્ર સામે હાઇવે ઓથોરીટીની ફરિયાદ, 10 દિવસ પૂર્વે બની હતી દુર્ઘટના

હજીરા-મગદલ્લા રોડ સ્થિત તાપી નદી પરના ઓએનજીસી બ્રિજ પર દસ દિવસ અગાઉ પુર ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા કાર બ્રિજની અંદાજે 7 મીટર જેટલી રેલીંગ તોડી નાંખી હતી.

Update: 2022-04-15 09:47 GMT

હજીરા-મગદલ્લા રોડ સ્થિત તાપી નદી પરના ઓએનજીસી બ્રિજ પર દસ દિવસ અગાઉ પુર ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા કાર બ્રિજની અંદાજે 7 મીટર જેટલી રેલીંગ તોડી નાંખી હતી. આ ઘટનામાં હાઇવે ઓથોરિટીએ કાર ચાલકના પિતા એવા જાણીતા ઉદ્યોગપતિએ નુકશાનીનો ખર્ચ આપી દેતા સમાધાન કરી લીધું હતું. જો કે રેલીંગની રીપેરીંગનો ખર્ચ વધુ હોવાથી છેવટે ફરીયાદ નોંધાવી છે.

ગત તા.3 એપ્રિલ રવિવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં મગદલ્લા રોડ સ્થિત તાપી નદી પરના ઓએનજીસી બ્રિજ પર હજીરાથી એસ.કે. નગર ચાર રસ્તા તરફ જતી નિશાન ટેરોના કાર નં. જીજે-5 જેએમ-6898 નું ટાયર ફાટતા કાર ચાલક રાજ બિપીન રામાણી (રહે. 53, હિમગીરી બંગલો, પીપલોદ) એ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બ્રિજની રેલીંગ સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત થયો હતો.જો કે સદ્દનસીબે કાર તાપી નદીમાં ખાબકતા બચી ગઇ હતી.કાર બ્રિજની રેલીંગ સાથે અથડાતા અંદાજે 7 મીટર જેટલી રેલીંગ તૂટી ગઇ હતી.

ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ દોડી ગઇ હતી અને હાઇવે ઓથોરિટીના એન્જિનિયરો પણ દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતા કાર ચાલકના પિતા એવા ઉદ્યોગપતિ બિપીન રામાણી પણ દોડી આવ્યા હતા.બિપીન રામાણીએ જે તે વખતે હાઇવે ઓથોરિટીના એન્જિનિયરો અને અધિકારીઓ સાથે બ્રિજની રેલીંગનો ખર્ચ ચુકવી દેતા સમાધાન થઇ જતા હાઇવે ઓથોરિટીએ જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ બ્રિજની રેલીંગ રીપેરીંગમાં ઉદ્યોગપતિ બિપીન રામાણીએ જે ખર્ચ ચુકવ્યો હતો તેના કરતા વધુ ખર્ચ રીપેરીંગમાં થતા છેવટે હાઇવે ઓથોરિટીના રૂટ પેટ્રોલીંગ ઓફિસર ધવલ રાજુ થોપટે (ઉ.વ. 27 રહે. શ્રી નિવાસ, સ્વસ્તિક પાર્ક, અલથાણ-ભટાર રોડ) એ રાજ બિપીન રામાણી વિરૂધ્ધ રૂ.40 હજારના નુકશાનની ફરીયાદ નોંધાવી હતી. 

Tags:    

Similar News