સુરત : ચપ્પુની અણીએ યુવતીઓની છેડતી CCTVમાં કેદ, માથાભારે યુવકની પોલીસે કરી ધરપકડ...

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માથાભારે ઈસમોએ મોપેડ પર આવી 2 યુવતીઓને રોકી છેડતી કરી હતી. એ

Update: 2023-02-27 11:27 GMT

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માથાભારે ઈસમોએ મોપેડ પર આવી 2 યુવતીઓને રોકી છેડતી કરી હતી. એટલું જ નહી, ચપ્પુ બતાવીને ગાળો આપી જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ, આ મામલે ડિંડોલી પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Full View

સુરત શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં એક યુવતી તેની 14 વર્ષીય બહેનપણી સાથે GEB કચેરી લાઈટ બિલ ભરીને પરત ઘરે આવી રહી હતી. તે દરમ્યાન રીઢો ગુનેગાર ગણેશ ઉર્ફે ગણ્યો વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોરએ મોપેડ ઉપર આવી બંન્ને યુવતીઓને રસ્તામાં રોકીને છેડતી કરીને ગંદી ગાળો આપી હતી, ત્યારે યુવતીઓએ ગાળો આપવાની ના કહેતા તેઓને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા 23 વર્ષીય ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે અન્ય ફરાર આરોપીને પણ વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

તો બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘ સુરત શહેરના ઉધના, ડિંડોલી, ખટોદરા, સરથાણા, લિંબાયત, જહાંગીરપુરા, સચિન, ઉમરા સહિતના પોલીસ મથકમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ, શરીર સંબંધી ગંભીર ગુનાઓ સહિત કુલ 18 જેટલા ગુનાઓમાં પકડાયેલ છે. વધુમાં ઉધના પોલીસ મથક વિસ્તારમાં ગત તા. 18 ફેબ્રુઆરી 2023ના રોજ ભીમનગર આવાસ પાસે રહેતા ગણેશ સેંદાણે રોડ પરથી જતા હતા તે વખતે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યા વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોર તથા સની બોરસેએ ઝઘડો કરી ગણ્યા વાઘે ગણેશ સેદાણેને જાંઘમાં ચાકુ મારી ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો, ત્યારે હાલ તો ડિંડોલી પોલીસે આ રીઢા ગુનેગારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Tags:    

Similar News