સુરેન્દ્રનગર : ભારે સીનસપાટા સાથે એન્ટ્રી પાડવાનો શોખ યુવકોને પડ્યો ભારે, જુઓ પોલીસે કેમ કરી ધરપકડ..!

Update: 2021-01-27 06:45 GMT

સુરેન્દ્રનગર શહેરમાં બંઘ મકાનની રેકી કરી ચોરીને અંજામ આપતી તસ્કર ટોળકી પોલીસના હાથે ઝડપાઇ છે. જેમાં 4 જેટલા યુવકોની વધુ પૂછપરછ કરતાં આ ટોળકીના સાગરીતોએ 10 જેટલી બાઈકની પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ હોય તેમ રોજબરોજ લૂંટ, મારામારી, ફાયરિંગ, મર્ડર સહિતના બનાવોને કેટલાક અસામાજિક તત્વો અંજામ આપી રહ્યા છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો હતો. જેમાં બી’ ડિવિઝન, એ’ ડિવિઝન અને જોરાવરનગર સહિતના અનેક વિસ્તારમાંથી બાઇકની ચોરી થતી હતી.

જોકે પોલીસે તસ્કર ટોળકીને ઝડપી કવાયત હાથ ધરી હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં કેટલાક યુવકો કામધંધો કર્યા વગર એટિકેટીમાં રહી લોકો વચ્ચે એન્ટ્રી મારી ભારે સીનસપાટા કરે છે. જેથી પોલીસે યુવકો પર વોચ ગોઠવી હતી. જેમાં તમામ યુવકો નર્મદા કેનાલ પર અવારનવાર જતા હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું. જેથી પોલીસે મનીષ ઉર્ફે પેગો, મહેશ ઉર્ફે કાળુ, ધનશ્યામ ઉર્ફે શંભુ અને હીતેશ નામના યુવકોની અટકાયત કરી હતી.

સમગ્ર મામલે પોલીસે ચારેય યુવકોની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા તમામે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 10 જેટલી બાઇક ચોરી કરી નર્મદા કેનાલ નજીક ઝાડીમાં છુપાવી હોવાનું જણાવ્યુ હતું. તો સાથે જ શહેરમાં બે સ્થળોએ ઘરફોડ ચોરી કરી હોવાની પણ કબુલાત આપી હતી. આરોપીઓ બેટરી રીપેર કરવાના બાહાને કે, ફ્રુટની લારી કાઢી કેટલા સમયથી કયુ મકાન બંધ છે તેની રેકી કરતાં હતા. ત્યારબાદ ચારેય મિત્રો બાઇક ચોરી કે, ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ 10 બાઇક સહિત ઘરફોડ ચોરીનો મુદામાલ જપ્ત કર્યો છે. જોકે જાહોજલાલી અને લોકો વચ્ચે એન્ટ્રી પાડવાના શોખના કારણે યુવકોએ ચોરીને અંજામ આપ્યો છે. ઉપરાંત આ તસ્કર ટોળકી ચોરી કરેલી બાઇકને સાચવતા અને ત્યારબાદ સસ્તા ભાવે વેચતા હતા. આમ ચારેય આરોપીઓ એકબીજાનું મેળાપણુ કરી 10 બાઇક અને 2 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારે હવે ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ચોરી સહિતના ક્યાં ક્યાં ગુન્હાઓને અંજામ આપ્યો છે, તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે.

Tags:    

Similar News