તાપી : તાડકુવા અને બેડકુવા ગામે રૂ. 6.65 કરોડના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહુર્ત કરાયું

Update: 2020-12-26 09:33 GMT

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા અને બેડકુવા ગામે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને રસ્તાઓના ખાતમુહુર્ત તથા ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રી ગણપતસિંહ વસાવાએ તાડકુવા અને બેડકુવા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના દિવસનું અનેરૂ મહત્વ છે. માજી વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ લાવી રહી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ માટે સરકાર કટીબધ્ધ છે. તાડકુવા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2019-20 હેઠળ રૂ. 3.30 કરોડના ખર્ચે તથા બેડકુવા ગામે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત રૂ. 3.35 કરોડના ખર્ચે રસ્તો પહોળો કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે, આદિજાતી વિસ્તારના ગામોમાં સરકારની યોજનાઓ અંતર્ગત શહેરો જેવી સુવિધા મળી રહે તેવો વહીવટી તંત્રનો પ્રયાસ છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોષી, મામલતદાર બી.બી.ભાવસાર, નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ, નીતિન ગામીત, એ.પી.એમ.સી. ચેરમેન પ્રવિણ ગામીત, માજી ધારાસભ્ય પ્રતાપ ગામીત, સરપંચો સહિતના ગ્રામજનો કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઉપિસ્થત રહ્યા હતા.

Tags:    

Similar News