વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ, વરસાદે વિરામ લેતાં હાશકારો પણ પુરનું સંકટ યથાવત

Update: 2020-08-15 08:14 GMT

વડોદરામાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. નદીની સપાટીમાં એક જ દિવસમાં 3 ફુટનો વધારો થતાં સપાટી 22 ફુટ પર પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફુટ છે પણ હાલ વરસાદે વિરામ લીધો હોવાથી લોકો તેમજ વહીવટીતંત્રએ હાશકારો લીધો છે….. 

વડોદરા શહેરમાંથી પસાર થતી  વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થતાં વડોદરા શહેર પર પુરનું સંકટ તોળાઇ રહ્યું છે.. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ છે. વરસાદે વિરામ લીધો હોવાથી નદીની સપાટી 22 ફુટ પર સ્થિર થવા પામી છે. શુક્રવારે સાંજે 6 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 19 ફુટ હતી અને સવારે 8 વાગ્યે સપાટી વધીને 22 ફુટ થઇ ગઇ હતી એક જ રાતમાં નદીની સપાટીમાં 3 ફુટનો વધારો થયો હતો. 

વરસાદ રોકાયો પણ આજવા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે

આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આજવા ડેમની સપાટી હાલ 211.65 ઉપર પહોંચી ગઇ છે. રવિવારના રોજ વડોદરામાં વરસાદે વિરામ લીધો છે. જોકે ઉપરવાસમાં આજવા ડેમમાંથી પાણીની આવકને પગલે વડોદરા પર મંડરાઇ રહેલા પુરનું સંકટ હજી ટળ્યું નથી.

બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને ફાયરબ્રિગેડની ટીમો એલર્ટ

વડોદરા શહેરમાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. NDRF અને ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. કોઇપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. શુક્રવારે રાત્રે 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થાય તો વધુ લોકોના સ્થળાંતર માટે તંત્રએ તૈયારીઓ કરી રાખી છે. આઠ જેટલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 

ગત વર્ષે 31 જુલાઇએ વિશ્વામિત્રી નદીના પુરે વડોદરાને ધમરોળ્યું હતું

વડોદરા શહેરમાં ગત વર્ષે 31 જુલાઇ-2020ના રોજ એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ વરસતા પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અને આખુ વડોદરા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ વર્ષે ફરી વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમમાં નવા નીરની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં પુર આવે તેવા સંજોગો ઉભા થયાં છે.

Tags:    

Similar News