વડોદરા: અહીં ફકત પુરુષો દ્વારા જ ગરબા ગવાય છે અને રમાય છે,જુઓ શું છે મહત્વ

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરામાં અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

Update: 2023-10-18 07:56 GMT

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરામાં અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમ ફક્ત પુરુષો દ્વારા જ ગરબા ગાવામાં આવે છે અને રમવામાં પણ આવે છે

વડોદરાના માંડવી સ્થિત અંબા માતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં ફક્ત પુરુષો જ ગરબા ગાય છે તેમજ ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરે છે. વડોદરાના હાર્દ સમા માંડવી ટાવર નજીક ઘડિયાળી પોળના નાકે સુપ્રસિધ્ધ અંબા માતા (હરસિધ્ધી માતાજી)ના મંદિર ચોકમાં કોઇપણ જાતના દંભ-દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે. જેમાં, માત્ર પુરુષ ગાયક વૃંદના તાલે પુરુષો જ ગરબે ઘુમી પરંપરા નિભાવે છે.વડોદરા શહેરના માંડવી ટાવર નીચે રાજા વિક્રમાદિત્યે 2078 વર્ષ પૂર્વે દેહત્યાગ કર્યો હતો. ત્યારે, તેમના કુળદેવી હરસિધ્ધિ માતાજી માંડવી નજીક બિરાજ્યા હતા. ત્યારબાદ વડોદરામાં સલ્તનતો બદલાતી રહી પણ માતાજીની ભક્તિમાં કોઇ ઓટ આવી નહિ. નવરાત્રિમાં ભક્તો અનોખી રીતે જગત જનનીની આરાધના કરે છે. જેમાં, દંભ-દેખાડો કે પ્રતિસ્પર્ધા વગર સાદગીસભર શ્રધ્ધાપૂર્વક ગરબા ગવાય અને રમાય છે.આ વડોદરાના સૌથી જુના ગરબા છે. માતાજીના મુખારવિંદ સમક્ષ પુરુષ ગાયકવૃંદ દ્વારા ભાતિગળ ગરબા ગવાય છે. દીપમાળા પર દીવડા પ્રગટાવી ઢોલક ત્રાસા-મંજીરા સહિતના વાજિંત્રોના તાલે ગરબે ઘુમનારા માંઇ ભક્તોને માતાજીની પ્રસાદી રૂપે ક્યારેક લ્હાણી પણ કરવામાં આવે છે.

Tags:    

Similar News