વડોદરા: કુખ્યાત બુટલેગર હરેશ સિંધી વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર

વહેલી સવારે 4 વાગે લઘુશંકાએ જવાના બહાર બુટલેગર હરેશ ઉર્ફ સિંધી વરણામા પોલીસ મથકના ફરજ પરના જવાનોને ચકમો આપી ફરાર થઇ ગયો

Update: 2022-04-06 06:40 GMT

નવ નિયુક્ત વડોદરા જિલ્લા પોલીસ વડાએ ચાર્જ લેતાની સાથે જ વડોદરા નજીક આવેલા વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી વહેલી સવારે વડોદરાના વારસીયાનો કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી બ્રહ્મક્ષત્રીય (સિંધી) ફરાર થઇ જતા સનસનાટી મચી ગઇ છે. બુટલેગર હરી સિંધીની શહેર પોલીસ તંત્રના PCB શાખાએ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ વરણામા પોલીસે તેનો કબજો લઇને કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી ટી-12, રૂમ નંબર-168 એસ.કે. કોલોનીમાં રહેતા હરેશ ઉર્ફ હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય (સિંધી)ની તા.30 માર્ચ-2022ના રોજ વડોદરા શહેર પોલીસ તંત્રના PCB શાખાના પી.આઇ. જે.જે. પટેલના સ્ટાફના એ.એસ.આઇ. હરીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ મહોબતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહે માહિતીના આધારે બાતમીના આધારે અમદાવાદ નરોડા ગેલેક્ષી પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો.

દરમિયાન વડોદરા જિલ્લા પોલીસ તંત્રના વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુના અંગે વરણામા પોલીસે તેનો કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને કબજો લીધો હતો અને વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે 4 વાગે લઘુશંકાએ જવાના બહાર બુટલેગર હરેશ ઉર્ફ સિંધી વરણામા પોલીસ મથકના ફરજ પરના જવાનોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. કુખ્યાત બુટલેગર ફરાર થઇ જતાં જિલ્લા પોલીસ તંત્રએ આરોપીને ઝડપી પાડવા દોડધામ કરી મુકી હતી. નોંધનીય છે કે, જિલ્લા પોલીસ વડા તરીકે રોહન આનંદે ચાર્જ લીધાના 12 કલાકમાં જ કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી ફરાર થઇ જતાં જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.

Tags:    

Similar News