વલસાડ : સંજાણમાં ભારે વરસાદમાં 136 લોકો ફસાયા, જુઓ કોણ બનીને આવ્યું દેવદુત

Update: 2020-08-05 09:39 GMT

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે ભારે વરસાદના કારણે વારોલી નદીમાં આવેલાં પુરમાં ફસાયેલાં 45 બાળકો સહિત 136 લોકોને એનડીઆરએફની ટીમે બચાવી લીધાં હતાં. 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 15 ઇંચથી વધારે વરસાદ ખાબકયો હતો. અનરાધાર વરસાદના પગલે વારોલી નદીમાં આવેલા પુરના પાણી ગામમાં ફરી વળ્યાં હતાં. સંજાણ બંદર ખાતે ભારે વરસાદમાં 136 જેટલા ગામલોકો ફસાયા હતાં. રાત્રે અનરાધાર વરસેલા વરસાદમાં ફસાયેલ ગામ લોકોને બચાવવા NDRFની એક ટીમને રવાના કરાઈ હતી. બુધારામ દેવાસીની આગેવાનીમાં સંજાણ બંદરે પહોંચેલી NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક 32 વર્ષીય સગર્ભા મહિલાને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી, તો કુલ 35 પુરુષો, 65 મહિલા અને 45 બાળકોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.સંજાણ બંદર નજીક ભારે વરસાદને કારણે વારોલી નદીમાં પૂર આવ્યું હતું અને પુરના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળતા રાત્રે 3 વાગ્યા સુધીમાં કમર સુધીના પાણીમાં ગામલોકો ફસાયા હતાં. જેને સવારના 6 વાગ્યા સુધીમાં બચાવી લેવાયાં હતાં. જે બાદ ભિલાડ નજીક ધોડીપાડા ગામમાં પણ કેટલાક લોકો ફસાયા હતા. તેઓને NDRFની ટીમે મામલતદારને સાથે રાખી અહીંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં.

Tags:    

Similar News