ભરૂચ : વેડચના હેડ કોન્સટેબલનું કોરોનાથી મોત થતાં અપાયું “ગાર્ડ ઓફ ઓનર”, કોરોનાગ્રસ્તોની સંખ્યા 179 થઈ

Update: 2020-06-25 13:24 GMT

ભરૂચ જિલ્લામાં અનલોક-1માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં દર્દીઓની કુલ સંખ્યા 179 પર પહોંચી ચુકી છે. લોકલ ટ્રાન્સમીશનના કારણે કેસ વધી રહયાં છે. જંબુસરના વેડચના હેડ કોન્સટેબલનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. અત્યાર સુધીમાં 06 થી વધારે લોકોનો કોરોના વાયરસે જીવ લીધો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સટેબલ જગદીશ સોલંકી કે જેઓએ લોકડાઉન દરમ્યાન કાર્યનિષ્ઠાથી પોતાની સેવા આપી હતી. જોકે હેડ કોન્સટેબલ જગદીશ સોલંકી ભરૂચના બુટલેગર નયન કાયસ્થની ધરપકડ દરમ્યાન તેના સંપર્કમાં આવ્યા હતા, ત્યારે બુટલેગર નયન કાયસ્થનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ધરપકડ દરમ્યાન તેના સંપર્કમાં આવેલા તમામ પોલીસકર્મીઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. હેડ કોન્સટેબલ જગદીશ સોલંકીની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજતા જંબુસર પોલીસ દ્વારા વડોદરા ખાતે સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવતાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પર આંશિક નિયંત્રણ આવ્યું હતું. જોકે, અનલોક-1ની જાહેરાત થતા જ લોકો બિન્દાસ્ત ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે ભરૂચ જીલ્લામાં હાલ બહારગામ જઇને આવેલાં અથવા બહારગામના લોકોના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોના વાયરસનું વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે, જોકે ગુરુવારના રોજ ભરૂચ જિલ્લામાંથી કોરોના વાયરસના વધુ 8 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જંબુસરમાંથી 6, ઝઘડીયા તાલુકાનાં અવિધામાંથી 1 અને ભરૂચના પગુથણમાંથી 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે હાલ સમગ્ર જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 179 સુધી પહોચી જવા પામી છે. જોકે દિવસ દરમ્યાન સરેરાશ 8 જેટલા કેસ સામે આવતા વહીવટી તંત્ર સહિત લોકો ચિંતામાં મુકાયા છે.

Tags:    

Similar News