સુરત : ચાર પોલીસ સ્ટેશનની હદમાં આજ રાતથી કરફયુ, જુઓ કયાં લાગશે કરફયુ

Update: 2020-04-16 13:12 GMT

અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં પણ ગુરૂવારની મધ્યરાત્રિથી ચાર પોલીસ સ્ટેશનની હદમાં કરફયુ નાંખવાનો નિર્ણય રાજય સરકારે લીધો છે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે કરફયુ નાખવાનો નિર્ણય લેવાયો છે જો કે તેમાં મહિલાઓ માટે ત્રણ કલાકની છુટ આપવામાં આવશે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકો લોકડાઉનનો અમલ કરતાં નહી હોવાથી લોકલ ટ્રાન્સમીશન વધી રહયું છે. સુરતના અધિકારીઓએ રાજયના મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે વીડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જેમાં ૧૬ એપ્રિલ ગુરૂવારની મધ્યમરાત્રીથી તા.રર એપ્રિલ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સુરત શહેરમાં ૪ પોલીસમથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુ નાંખવાનો નિર્ણય લેવાયો છે. કરફયુમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતના કમરૂનગર પોલીસ સ્ટેશનમાં આવતાં વિસ્તારોનો સમાવેશ કરાયો છે. કરફયુના આ દિવસો દરમિયાન દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે જયારે પુરૂષોએ પોતાના ઘરોમાં જ રહેવાનું રહેશે. આમ કોરોના વાયરસના કારણે હવે અમદાવાદ બાદ સુરતમાં પણ કરફયુ લાદી દેવાયો છે.

Tags:    

Similar News