Connect Gujarat
Featured

અંકલેશ્વર : બંદૂકની અણીએ ફાઇનાન્સ કંપનીમાંથી થયેલ 3 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો કોણ છે આરોપી

અંકલેશ્વર : બંદૂકની અણીએ ફાઇનાન્સ કંપનીમાંથી થયેલ 3 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો કોણ છે આરોપી
X

અંકલેશ્વર ત્રણ રસ્તા ઉપર આવેલ IIFL ફાયનાન્સ કંપનીમાં થયેલ રૂ. ૩ કરોડની લુંટનો ભેદ ઉકેલાયો છે. દિવાળી પહેલા બંદૂકની અણીએ કરોડો રૂપિયાની લૂંટનાં ગુનાનો ભેદ ઉકેલવામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે ચાર આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડ્યા જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે.

અંકલેશ્વર ૩ રસ્તા સર્કલ નજીક તા. ૯ નવેમ્બરનાં રોજ IIFL ફાયનાન્સ કંપનીમાં ચાર જેટલા ઇસમોએ બંદુકની અણીએ રૂ.૩.૩૨ કરોડની લુંટ ચલાવી હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તેમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસને સૌ પ્રથમ આ ગુનામાં સંડોવાયેલ સ્વીફ્ટ કારનો નંબર મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને આ કનેક્શન સુરત મળ્યું હતું જેના આધારે પોલીસે સુરત ખાતે તપાસ હાથ ધરી હતી અને ચાર આરોપીઓ મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક, મોહમદ અલી હુસેન ગુલામ નાખુદા, મોહસીન મુસ્તુફા જીલાની ખલીફા, તથા સલીમ અબ્દુલ સિદ્દીક ખાનને ઝડપી પાડ્યા હતા.

લુંટને અંજામ આપવા માટે મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા તથા સલીમે પ્લાન બનાવ્યો હતો અને અન્ય બે વ્યક્તિઓની જરૂર હોઈ તે બે માણસો શોધી તેઓને તેઓનો રોલ સમજાવવામાં આવ્યો હતો. લુંટ વખતે સલીમે બંદુક બતાવી સ્ટાફને ડરાવવાનો હતો તો મોહમ્મદ અલી એ ગેટ ઉપર ઉભા રહી કોઈ અંદર ન આવે તેનું ધ્યાન રાખવાનું હતું. મોહસીન ખલીફાએ સ્ટાફને બાંધવાનું કામ કરવાનું હતું તો મોહસીન મલેકે તિજોરીમાંથી સોનાના દાગીના લેવાના હતા. તમામને પોતપોતાનું કામ સમજાવ્યા બાદ આ લુંન્તને અંજામ આપવામાં આવ્યો હતો

આ ચાર પૈકી મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા વર્ષ ૨૦૧૧ માં વાપી ખાતે IIFL કંપનીમાં રીકવરી મેનેજર તરીકે ફરજ બજાવી ચુક્યો છે જેથી તે આ કંપનીની કામ કરવાની સ્ટાઈલથી વાકેફ હતો તે અગાઉ એક ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે. તેને અન્ય એક ગુનાઈત ભૂતકાળ ધરાવતા મોહસીન મલેક સાથે સંપર્ક કરી આ લુંટને અંજામ આપ્યો હતો. સલીમના વિરુદ્ધ સુરત, ચીખલી અને પલસાણા ખાતે કુલ ચાર ગુનાઓ નોંધાયા છે જેમાં પ્રોહીબીશન ચોરી તેમજ મારામારીનાં ગુનાઓ છે. તો મોહસીન ખલીફા ના વિરુદ્ધ એક વાહન ચોરીનો ગુનો સુરત ખાતે નોંધાયો છે.

પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી ૫૮૬૩.૬૯ ગ્રામ સોનું કીમત રૂ. ૨,૫૨,૨૨,૫૫૭ રોકડા રૂ. ૧૩,૫૩,૦૫૦ મળી કુલ ૨ કરોડ, ૭૩ લાખ ૪૬ હજાર ૩૦૭ નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને હજુ ૭૦૦ ગ્રામ સોનું ૧૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે.

ચાર પૈકી ઝડપાયેલ આરોપી મોહસીન ઈમ્તિયાઝ મલેક અને સલીમ સિદ્દીક ખાને ૩ વર્ષ અગાઉ નવસારીના ચીખલી ગામ ખાતે પણ IIFL માં લુંટ ચલાવી હતી જે ગુનો પણ ઉકેલાયો છે.

Next Story